- વર્ષ 2019થી બાકી રહેલા બ્લોકના યુનિફોર્મ પૈકી ચાર જોડીના નાણાં ચુકવવા સમગ્ર સભામાં દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા વર્ગના તમામ તેમજ ત્રીજા વર્ગના લાભ મેળવવા પાત્ર કાયમી કર્મચારીઓને આપવામાં આવતા યુનિફોર્મ માટે અગાઉના બાકી રહેલ બ્લોક પેટે 4 જોડી યુનિફોર્મના નાણા રોકડેથી ચુકવવા દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કર્યા બાદ હવે સમગ્ર સભા સમક્ષ મંજુરી રજૂ કરવામાં આવી છે. આવા આશરે 5 હજાર જેટલા કર્મચારીઓ છે, જેને અંદાજે દોઢ કરોડનું ચૂકવણું કરવામાં આવશે. સમગ્ર સભા આજે સાંજે મળનાર છે. વડોદરા કોર્પોરેશનમાં ફરજ બજાવતા ચોથા વર્ગના તમામ તથા ત્રીજા વર્ગના લાભ મેળવવા પાત્ર કાયમી કર્મચારીઓને યુનિફોર્મ આપવામા આવે છે.
આ અગાઉ વર્ષ 2016-17-18ના બ્લોક પેટે કર્મચારીઓને યુનિફોર્મ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ બાકી રહેતા બ્લોક પેટે આપવાના થતા યુનિફોર્મ પૈકી ચાર જોડી યુનિફોર્મના નાણાં કર્મચારીઓને રોકડેથી તેઓના ખાતામાં સરકારના પરિપત્ર મુજબ ભાવો આધારે પુરૂષ કર્મચારીને પ્રતિ જોડ 1235 (સિલાઇ સહ) તથા સ્ત્રી કર્મચારીને પ્રતિ જોડ 1650 મુજબ અપાશે. ચાલુ બ્લોક (વર્ષ 23-24-25) ના યુનિફોર્મ માટે હાલના યુનિયન પ્રતિનિધિઓની રજુઆત મુજબ રાજ્ય સરકારની સંસ્થા પાસેથી ઓફર લેટરના આધારે યુનિફોર્મની ખરીદી કરવામાં વિલંબ થતો હોવાથી તેમજ સમયસર યુનિફોર્મ પૂરા પાડી ન શકતા હોવાથી યુનિફોર્મ ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખરીદ કરવા સમગ્ર સભાની મંજુરી લેવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે તે બ્લોકના અંતિમ વર્ષના માર્ચ મહિનાના પગાર મુજબ કર્મચારીને ચુકવણુ કરાશે તેમજ જે કર્મચારી વયનિવૃત થયેલ છે કે મૃત્યુ પામેલ છે તેઓને પણ આ લાભ અપાશે. તમામ કર્મચારીઓને બેંક એકાઉન્ટમાં ચુકવણુ કરવામાં આવશે.