વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતોના ચાલુ વર્ષ 2023-24 ના વેરા બીલોની બજવણી કરવામાં આવી રહેલ છે. બીલો ભરવાની છેલ્લી તારીખ પુરી થયા બાદ વ્યાજ, દંડ અને પેનલ્ટી સાથે બીલોની મહેસુલી રાહે વસુલાત કરવામાં આવશે. જેથી વોર્ડ દીઠ બીલો ભરવાની છેલ્લી તારીખ પુરી થતા પહેલા મિલકત ધારકોને વ્યાજ દંડ અને પેનલ્ટી ભરવી ન પડે તે માટે વેરો ભરપાઈ કરવા કોર્પોરેશન દ્વારા અનુરોધ કરાયો છે.
શહેરના પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 માં બિલ ભરવાની છેલ્લી તારીખ 25 છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13 માં બિલ ભરવાની છેલ્લી તારીખ 30 છે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15 માં 8 નવેમ્બર તથા દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19 માં બિલ ભરવાની છેલ્લી મુદત 13 નવેમ્બર છે. મિલકત ધારકો કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં સવારે 9:30 થી બપોરે 3:00 વાગ્યા સુધીમાં રૂબરૂ અથવા તો કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન પણ વેરો ભરી શકશે.
ચાલુ વર્ષે કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ ભરવામાં આવે તો વળતર આપવાની યોજના અમલમાં મૂકી હતી જેનાથી 1.11 લાખ લોકોએ એડવાન્સમાં વેરો ભર્યો હતો. હવે બાકી રહેલા 708676 લોકોને વેરાના બિલો આપવાનું ચાલુ કરાયું છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 819944 બિલો આપવાના છે. કોર્પોરેશનને અત્યાર સુધીમાં મિલકત વેરા, વ્યવસાય વેરા, વોટર ટેક્સ અને વિહિકલ ટેક્સ મળી મળીને 248.54 કરોડની આવક થઈ છે. જેમાંથી મિલકતવેરાના 194.90 કરોડ મળ્યા છે. ચાલુ વર્ષનો કોર્પોરેશનનો વેરાની આવકનો અંદાજ આશરે 560 કરોડ મૂકવામાં આવ્યો છે.