વડોદરા પાલિકા શહેરના 10 ફ્લાય ઓવર બ્રિજ ઉપર 75 જેટલા કેમેરા લગાવશે

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પાલિકાએ પગલું ભર્યું

MailVadodara.com - Vadodara-Corporation-will-install-around-75-cameras-on-10-fly-over-bridges-of-the-city

- 17 સ્થળ નક્કી કરાયાં, દરેક થાંભલા પર 4 કેમેરા લાગશે


અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા બાદ બ્રિજ પરના સીસીટીવી બંધ જણાયા હતા તેમ જ સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી. જોકે આ ઘટના બાદ શીખ લેતા વડોદરા પાલિકાએ શહેરના 10 ફ્લાય ઓવર પર સીસીટીવી કેમેરા મુકવાનું નક્કી કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરના સૂચનથી વાહન ચાલકોની સુરક્ષા અને કાળજી લેવાય તેમજ ગુનાહીત પ્રવૃત્તિ કરનારાને ડામી શકાય તે માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે. શહેરના જંકશન, ત્રણ રસ્તા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પાલિકાએ સીસીટીવી મુક્યા છે.


વડોદરા કોર્પોરેશન દ્વારા અગાઉ મુખ્ય માર્ગો ઉપર તેમજ ચાર રસ્તાઓ ઉપર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પરિણામે વડોદરા શહેરમાં રખડતા પશુ, ગંદકી કરનારા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને પકડવામાં આ કેમેરા આશિર્વાદરૂપ પુરવાર થયા છે, ત્યારે હવે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 10 ફ્લાય ઓવરબ્રિજ એટલે અટલ બ્રિજ, લાલબાગ બ્રિજ, ફતેગંજ બ્રિજ, પંડ્યા બ્રિજ, અમીતનગર બ્રિજ, સોમા તળાવ ઉર્મી સ્કૂલ બ્રિજ, હરિનગર બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, છાણી અને નવાયાર્ડ બ્રિજ પર CCTV લગાવવાની કામગીરી શરુ દેવામાં આવી છે. જેમાં દરેક પોલ પર 4 કેમેરા મુકાશે. કેમેરાનું મોનિટરીંગ કંટ્રોલ કમાન્ડ સેન્ટરથી થશે.


આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં અગત્યની જગ્યાઓ ઉપર CCTV લગાવેલા છે. વિશ્વામિત્રી નદી કિનારા પાસે CCTV લગાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા હવે શહેરના તમામ બ્રિજને આવરી લેવાય તે રીતે 17 જગ્યાઓ ઉપર 70 CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક પોલ ઉપર ચાર કેમેરા લગાવવામાં આવશે જે કેમેરાનું મોનીટરીંગ થશે. 


કોર્પોરેશનના આઇ.ટી. વિભાગના વડા મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરના બ્રિજ ઉપર લગાવવામાં આવી રહેલા CCTV માટે કોઇ અલગ ફંડ ફાળવવામાં આવ્યું નથી. હાલમાં કોર્પોરેશન પાસે CCTV કેમેરાનો સ્ટોકમાં છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં CCTV લગાવવામાં આવી રહ્યા છે. આ CCTV લગાવવાથી કોર્પોરેશન સાથે પોલીસ વિભાગને પણ ઘણો ફાયદો થશે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં કાલાઘોડા, ભીમનાથ, રાત્રી બજાર બ્રિજ પરથી લોકો કચરો તેમજ મંગલ પાંડે રોડ પર કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જણાતાં CCTV મુક્યા છે. જેમાં 3 બ્રિજ પરથી નદીમાં કચરો નાખતા તત્વો CCTVમાં કેદ થતા વાહનોના નંબરના આધારે 25,000થી વધુનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. CCTV લગાવવાના કારણે કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગને પણ ફાયદો થયો છે.

Share :

Leave a Comments