- 552 ખાલી જગ્યા માટે વિવિધ જિલ્લાના 1,18,774 ઉમેદવારો છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની 552 ખાલી જગ્યા માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની મળેલી સામાન્ય સભાએ એક જ લેખિત પરીક્ષા એલિમિનેશન ટેસ્ટ યોજવા મંજૂરી આપી છે. અગાઉ સામાન્ય સભાએ 27 જાન્યુઆરીએ ઠરાવ મંજૂર કર્યો હતો જેમાં લેખિત પરીક્ષાને મંજૂરી આપી હતી, હવે તેમાં સુધારો કરાયો છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની સીધી ભરતીની કુલ 552 જગ્યા માટે પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જેમાં વિવિધ જિલ્લાના અંદાજિત 1,18,774 ઉમેદવારો છે. જો છેલ્લા ઘણા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે. વધુ સંખ્યામાં અરજદાર હોવાથી જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા અંગે સરકાર તરફથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફતે લેખિત પરીક્ષા યોજવા મંજૂરી મળી છે. આ મંજૂરી અન્વયે લેખિત પરીક્ષાના ધોરણોને પણ સામાન્ય સભાની મંજૂર અગાઉ આપી હતી. તો બીજીતરફ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સરકારના અલગ-અલગ 77 વિભાગો તરફથી વિવિધ જગ્યાઓ ભરવા માટે અરજીઓ મળી છે. જેથી વડોદરા કોર્પોરેશનની આ ભરતીમાં બે અલગ-અલગ લેખિત પરીક્ષાના કારણે વધુ સમય થાય તેમ છે.
કોર્પોરેશનમાં હાલમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્કમાં કુલ 685 જગ્યા ખાલી છે. તેમજ વધુ 15 ક્લાર્ક વય નિવૃત્ત થવાના છે પરિણામે સ્ટાફની અછત વધી રહી છે. જેથી કોર્પોરેશને આ ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ થાય તે માટે બે લેખિત પરીક્ષાના સ્થાને એક લેખિત પરીક્ષા એલિમિનેશન ટેસ્ટ યોજવાની વિચારણા હાથ ધરતા તે અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફથી રજૂ થતા સામાન્ય સભા એ તેને મંજુર કરી હતી.