- કોર્પોરેશન દ્વારા પહેલા દર વર્ષે 8-10 હજારની બેગ અપાતી હતી, તેના સ્થાને બજેટ મંજૂર કર્યા બાદ હવે 68,000ની કિંમતનું ટેબલેટ અપાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટાયેલા સભ્યો માટે ઇતિહાસમાં પ્રથમવાર પ્રજાના પૈસે આ વર્ષથી બ્રાન્ડેડ કંપનીના ટેબલેટ ખરીદ કરશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટ બેઠક દરમિયાન કોર્પોરેટરોને આઠથી દસ હજાર રૂપિયાની કિંમતની બેગ આપવામાં આવતી હતી પરંતુ આ વર્ષે સ્થાયી સમિતિએ ખાનગી કંપનીના ટેબલેટ આપવાનું નક્કી કરતા હિસાબી શાખા એ આજે જાહેરાત આપી 110 ટેબલેટ ખરીદવાની ઓફર મંગાવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું દર વર્ષનું અંદાજપત્ર હિસાબી શાખા દ્વારા તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિમાં રજૂ કરતા હોય છે સ્થાયી સમિતિ પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી તેને મંજૂરી આપી સમગ્ર સભામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ બજેટ રજૂ કરે છે અને 20 માર્ચ પહેલા કોર્પોરેશનનું કરદર નું બજેટ સમગ્ર સભા મંજૂર કરતી હોય છે.
કોર્પોરેશનના બજેટને મંજૂરીની પ્રક્રિયા બાદ સ્થાયી સમિતિના સભ્ય કોર્પોરેટરો તેમજ ઉચ્ચ અધિકારીઓને મોંઘી કિંમતની અંદાજે 8 થી 10,000 રૂપિયાની બેગ આપવામાં આવતી હોવાની પ્રણાલિકા વર્ષોથી ચાલતી આવી છે.
કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા આ વખતે કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ડિજિટલના બહાને બેગના સ્થાને ટેબલેટ ખરીદવાનું નક્કી કર્યું હતું અને તે તમામ કોર્પોરેટરોને અને ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્થાયી સમિતિના નિર્ણય બાદ હિસાબી શાખાએ ટેબલેટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે જેમાં ખાનગી કંપનીના બ્રાન્ડેડ ટેબલેટ ખરીદવા ઓફરો મંગાવવામાં આવી છે.