- 16 યુટીલીટી પ્રકારના વાહનો સરકારની વ્યવસાય વેરાની વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી ખરીદાશે, આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજિંદી કામગીરી માટે ઉપયોગમાં લેવાતા વાહનોની અછત હોવાથી તેની કામગીરી પર અસર પડે છે, જેને ધ્યાનમાં રાખીને વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી 1.53 કરોડના ખર્ચે 16 યુટીલીટી વિહિકલની ખરીદી કરશે. હાલમાં વ્હીક્લપુલ શાખા ખાતેથી જુદા-જુદા ખાતાની રોજિંદી કામગીરી માટે જેટલા વાહનો છે, તેમાંથી ફાળવણી કરવામાં આવે છે, અને જો ન હોય તો ભાડાના વાહનો આપવામાં આવે છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા 18 ટીમ બનાવવામાં આવી છે, આ ટીમને પણ ઘણી વખત વાહન નથી મળતા. કોર્પોરેશનના હદ વિસ્તારમાં વધારો થતા તેમજ 19-વોર્ડ બનાવવાને કારણે કામગીરીમાં વધારો થયેલ છે. શહેર પોલિસ તેમજ દબાણ અને સીકયુરીટી શાખા દ્વારા સંયુકત રીતે ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરેલ હોવાથી શીફટ વાઇઝ યુટીલીટી વાહનો તેમજ અન્ય વાહનો ફાળવવા સતત ડિમાન્ડ થતી રહે છે. રોડ વિભાગ, સુવેઝ ડી.વર્કસ અને પાણી પુરવઠા, આજવા ફ્રેન્ચવેલ વિગેરે વિભાગો દ્વારા પણ આ પ્રકારના વાહનો ફાળવવા માંગણી કરવામાં આવે છે. જેથી 16 યુટીલીટી પ્રકારના વાહનો સરકારની વ્યવસાય વેરાની વર્ષ2023-24ની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.