- ટાઉનહોલનો લેઆઉટ પ્લાન તથા ડિઝાઇન મળતા હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે, હાલ શહેરમાં કોર્પોરેશનના ત્રણ ટાઉનહોલ છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24 ના બજેટ વખતે કોમ્યુનિટી સર્વિસીસ આપવાની જે જાહેરાત કરી હતી, તેમાં નવું નગર ગૃહ બનાવવાની વાત પણ હતી. કોર્પોરેશન દ્વારા સમા વિસ્તારમાં નવું નગરગૃહ એટલે કે ટાઉનહોલ બનાવવા આયોજન હાથ ધરાયું છે, અને આ માટે લેઆઉટ પ્લાન તથા ડિઝાઇન પણ તૈયાર થઈ ગઈ છે.
વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ અધ્યક્ષના કહેવા મુજબ, સમા વિસ્તારમાં આવેલા સ્વાતિ શાકમાર્કેટની જગ્યા ખાતે 400 બેઠક વાળું ટાઉનહોલ બનાવવામાં આવશે. જે માટે આશરે 6 કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા છે. આ ટાઉનહોલનો લે આઉટ પ્લાન તેમજ ડિઝાઇન મળી ગઈ છે. હવે કોર્પોરેશન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે. આ ટાઉનહોલ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ ફ્લોર ધરાવતું હશે. જેમાં એમફી થિયેટર, ઓડિટોરિયમ, પ્રિવ્યુ થિયેટર, મીની સ્ટેજ એન્ડ સ્ક્રીનની સુવિધા ઉપરાંત લેડીઝ રેસ્ટરૂમ, દિવ્યાંગ રેસ્ટરૂમ, કાર પાર્કિંગ લોટ ઉપરાંત બેઝમેન્ટ કાર પાર્કિંગ પણ રાખવામાં આવશે. અગાઉ આ ટાઉન હોલ 250 બેઠકની ક્ષમતાવાળું રાખવાનું હતું, પરંતુ હવે તે વધારીને 400 બેઠક વાળું કરાયું છે. હાલમાં વડોદરામાં શહેરની મધ્યમાં સૌથી જૂનું ગાંધી નગર ગૃહ છે. એ પછી અકોટામાં સયાજી નગર ગૃહ બનાવાયું છે. અને પૂર્વ વિસ્તારમાં દીનદયાળ નગરગૃહ છે. શહેરના દક્ષિણ વિસ્તારમાં નગરગૃહ નથી. ભવિષ્યમાં કોર્પોરેશન ત્યાં પણ નગરગૃહ બનાવવાનું આયોજન વિચારશે. વડોદરા કોર્પોરેશન દ્વારા ચાર મહિના પહેલા મકરપુરામાં 2.14 કરોડના ખર્ચે 20મો કોમ્યુનિટી હોલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હાલમાં 2.48 કરોડના ખર્ચે નિઝામપુરામાં પણ કોમ્યુનિટી હોલનું કામ ચાલુ છે.