- 5 જૂને પૂરી થતી યોજના 5 જુલાઇ સુધી અમલમાં લંબાવવામાં આવશે!
વડોદરા કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલી મિલકતોના મિલકત વેરા અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ સહિત એકસાથે એડવાન્સમાં ભરપાઇ કરે તો મિલકતવેરાની રકમમાં રિબેટ (વળતર) આપવાની એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળતર) યોજના તા.૫ જૂને પૂર્ણ થાય છે, પરંતુ તે વધુ ૧ મહિનો લંબાવાશે.
આ યોજના દરમ્યાન વર્ષ-૨૦૨૩-૨૪ના મિલકત વેરાની રકમ પાછલી બાકી સહિત એડવાન્સ રકમ ભરતા તમામ કરદાતાઓને રિબેટ (વળતર)નો લાભ મંજૂર થયેલી યોજના મુજબ આપવામાં આવે છે. તા.૨૪મે સુધી કુલ ૪૬.૧૭ કરોડની આવક કોર્પોરેશનને થઇ છે. આ યોજના વધુ એક માસ એટલે કે તા.૫ જુલાઇ સુધી લંબાવવામાં આવે તો હજુ વેરાની આવક વધે તેમ છે, અને જે લોકો વેરો એડવાન્સમાં ભરવાનું ચૂકી ગયા છે, તેવા લોકોને પણ એડવાન્સ વેરો ભરી વળતરનો લાભ મેળવવા વધુ એક તક મળી રહેશે. આ યોજના મુજબ રહેણાંક મિલકત માટે ૧૦ ટકા, બિનરહેણાંક મિલકત માટે પાંચ ટકા વળતર અપાય છે. ઓનલાઇન વેરો ભરનારને વધુ ૧ ટકો વળતર મળે છે. આ યોજના વધુ એક મહિનો લંબાવવા સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઇ છે. ગયા વર્ષે પણ કોર્પોરેશનની પ્રોત્સાહક વેરા વળતર યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હતો. જો કે ૧ એપ્રિલથી અત્યાર સુધીમાં વેરાની ૮૭.૧૭ કરોડ આવક થઇ છે.