વડોદરા કોર્પોરેશનને મિલકત વેરાની આવકના ટાર્ગેટને પહોંચી વળવા હજુ રૂા.79 કરોડ વસૂલ કરવાના બાકી

વેરો ભરવા શનિવાર-રવિવારે પણ તમામ વોર્ડ કચેરીઓ ખુલ્લી રાખવા નિર્ણય

MailVadodara.com - Vadodara-Corporation-still-needs-to-collect-Rs-79-crore-to-meet-property-tax-revenue-target

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 3 જાન્યુઆરીથી તારીખ 31 માર્ચ સુધી ભાડા આકારણી અને ક્ષેત્રફળ આધારિત આકારણીમાં બાકી પડતા વેરા ઉપર પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને 86.42 કરોડ આવક થઈ છે. જેમાં મિલકતવેરાની 66.96 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 10.91 કરોડ, વાહન વેરાની 6.72 કરોડ, વોટર મીટર ચાર્જની 1.82 કરોડ આવકનો સમાવેશ થાય છે. 

આ દરમિયાન કોર્પોરેશન દ્વારા વેરો ભરવા માટે લોકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે રજાઓના દિવસોમાં પણ તમામ વોર્ડ કચેરીઓ ધુળેટીના તહેવારને બાદ કરતા ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો છે. 31 માર્ચ સુધી બીજા અને ચોથા શનિવારે અને રવિવારે તમામ વોર્ડ ઓફિસો સવારે 9ઃ30થી બપોરે 2 સુધી પણ ખુલ્લી રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોર્પોરેશનની વેબસાઈટ પર પણ ઓનલાઈન વેરો ભરી શકાય છે. ભાડા આકારણી પદ્ધતિ મુજબ તારીખ 1-4-2003થી અત્યાર સુધીનો બાકી પ્રોપર્ટી ટેક્સ એક સાથે ભરી દે તો નક્કી કરેલા ટકા મુજબ પ્રોત્સાહક વ્યાજ વળતર અપાશે. જ્યારે ક્ષેત્રફળ આધારિત આકારણીમાં વર્ષ 2003થી અત્યાર સુધીનો બાકી વેરો ભરી દે તો એમાં પણ નક્કી કરેલા ટકા મુજબ પ્રોત્સાહક વ્યાજ વળતર અપાશે. ભાડા આકારણી મુજબ વેરો બાકી હોય પણ ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ મુજબ અત્યાર સુધીનો બાકી વેરો ભરી દે તો તેને પણ આ યોજનાનો લાભ કોર્પોરેશન આપશે. વડોદરા કોર્પોરેશન દ્વારા તા.1-4-2023 થી 26-2-2024 સુધીમાં મિલકત વેરાની 491.85 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 54.49 કરોડ, વાહન વેરાની 42.93 કરોડ, વોટર મીટર ચાર્જની 2.74 કરોડ મળી કુલ 592.03 કરોડની વસૂલાત થઈ ચૂકી છે.

ગઈકાલે તારીખ 26ના રોજ એક જ દિવસમાં 1.81 કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે મિલકતવેરાની આવકનો લક્ષ્યાંક 642 કરોડનો હતો, જે રિવાઇઝડ બજેટમાં સુધારીને 671 કરોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 592.03 કરોડની વસુલાત જોતા લક્ષ્યાંક સિદ્ધ કરવામાં હજુ 79 કરોડ બાકી રહે છે.

Share :

Leave a Comments