- બાકી વેરો ભરી શકે તે માટે આજે રજાના દિવસે અને રવિવારે તમામ વોર્ડની કચેરીઓ ચાલુ રહેશે, બાકી વેરાની વસુલાત માટે મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે હવે ત્રણ દિવસ બાકી છે, ત્યારે મિલકત વેરાનો રિવાઈઝડ 672 કરોડનો ટાર્ગેટ સિદ્ધ કરવા માટે તંત્રે કમર કસી છે. ગઈકાલ સુધી કોર્પોરેશનને કુલ 650.58 કરોડની આવક થઈ ચૂકી હતી અને હવે બાકીના 22 કરોડની આવક ત્રણ દિવસમાં મેળવીને ટાર્ગેટ હાંસલ કરવો પડશે. લોકો પોતાનો બાકી વેરો ભરી શકે તે માટે આજે રજાના દિવસે અને રવિવારે પણ રજાના દિવસે તમામ વોર્ડની કચેરીઓ ચાલુ રાખવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસુલાત માટે ગઈકાલથી સામૂહિક મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 57,000થી વધુ કોમર્શિયલ મિલકતો સીલ કરી છે જ્યારે 67 હજારથી વધુ રહેણાંક મિલકતોને વોરંટ આપવામાં આવ્યા છે અને બાકી વેરા સંદર્ભે 12,000 થી વધુ મિલકતોને નોટિસો ફટકારવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં બજેટનો મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક 630 કરોડ હતો, જે સુધારીને 672 કરોડ કરવામાં આવ્યો છે. આમાં મિલકત વેરો, વાહનવેરો, વ્યવસાય વેરો, પાણી ચાર્જ વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2003 પહેલા ભાડા આકારણી પદ્ધતિ હતી, અને તે મુજબ મિલકત વેરો લેવાતો હતો. એ પછી ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ અમલી બની છે. 2003 થી અત્યાર સુધી ચાલુ વર્ષની વેરા ડિમાન્ડ સાથે વેરાની કુલ ડિમાન્ડ 1082 કરોડ છે. જેમાં વર્ષ 2003 પહેલાની ડિમાન્ડ 23 કરોડ છે. 2003 થી અત્યાર સુધી પાછલી બાકી ડિમાન્ડ 515 કરોડ છે, અને ચાલુ વર્ષના 543 કરોડ છે. એ બધું ગણતા 1082 કરોડ થાય છે. જેમાંથી 2003 પહેલાંની 23 કરોડની ડિમાન્ડમાંથી ચાલુ વર્ષે આશરે 7 લાખ મળ્યા છે, જ્યારે 515 કરોડની ડિમાન્ડમાંથી આશરે 59 કરોડ મળ્યા છે ,અને ચાલુ વર્ષની 543 કરોડની ડિમાન્ડમાંથી 460 કરોડ મળી ચૂક્યા છે. પાછલી બાકી ડિમાન્ડ સહિત હજુ 563 કરોડ લેવાના બાકી નીકળે છે. જોકે આ રકમ માં બંધ મિલકતો, જર્જરિત મકાનો, કોર્ટ કેસ, ભાડુઆત અને મકાનમાલિક વચ્ચેના ઝઘડા, બાકી વેરા પર ચડેલું વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે.