- પ્લોટો વેચવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરાઇ
- પાલિકા દ્વારા વિકાસ કામો માટે આડેધડ ટેન્ડરોમાં આપવામાં આવી રહેલા ભાવોના કારણે પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ..?!!
વડોદરા મહાનગર સેવા સદનની આર્થિક પરિસ્થિતિ છેલ્લા કેટલાક વર્ષથી ડામાડોળ થઈ છે. ત્યારે પાલિકા દ્વારા આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે પાલિકા હસ્તકના 7 પ્લોટો રૂપિયા 532 કરોડમાં વેચવા કાઢ્યા છે. પાલિકાએ આ પ્લોટ વેચીને તળીયા ઝાટક થઇ ગયેલી તિજોરી ભરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્લોટો વેચવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરાઇ છે.
સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશનને TP એક્ટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લોટ મળ્યા છે. આ પ્લોટો વેચાણથી આપવા માટે જમીનની મિનિમમ અપસેટ વેલ્યુ નક્કી કરવા સરકારના શેરી વિકાસ સત્તા મંડળોના રેગ્યુલેશન 2002ના પરિપત્ર મુજબ વેલ્યુએશન કમિટિની રચના કરવામાં આવી હતી. તે બાદ તેની બેઠક વુડા ખાતે મળી હતી. જેમાં વડોદરા કોર્પોરેશન હસ્તકના 7 પ્લોટનું વેલ્યુએશન નક્કી કરવામાં આવ્યું હતું.
દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે હરણી વિસ્તારના 5 અને સમા વિસ્તારના 2 પ્લોટ જેમાં 4 વાણિજ્ય હેતુ માટેના, 2 હોસ્પિટલ અને એક રહેણાંક માટેના પ્લોટોનો સમાવેશ થાય છે. આ તમામ પ્લોટોનું વેલ્યુએશન રૂપિયા 532 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. જે પ્લોટના વેચાણ માટે જાહેર હરાજી કરવામાં આવશે.
વધુમાં એમ પણ જણાવાયું છે કે, આવેલી દરખાસ્તમાં 7 પ્લોટ સરકારી, અર્ધ સરકારી તેમજ લોકલ ઓથોરિટિને જાહેર હરાજી સિવાય સીધી ફાળવણી કરવા અને બિનજરૂરી સમય વ્યતિત થાય નહીં. જાહેર હરાજીમાં મિનિમમ અપસેટ વેલ્યુની સામે બોલવામાં આવેલી મહત્તમ બોલીને આગ્રહ રાખી ફાળવણી કરવા તેમજ અન્ય જરૂરી કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા દરખાસ્તમાં જણાવ્યું છે.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જાહેર હરાજીથી વેચાણ માટે મુકવામાં આવેલા 7 પ્લોટોનું કુલ ક્ષેત્રફળ 47,807 ચોરસ મીટર થાય છે. તમામ પ્લોટની કિંમત પાલિકા દ્વારા રૂપિયા 532.46 કરોડ અંદાજી છે. ત્યારે પાલિકાને પ્લોટોની હરાજીમાં 7 પ્લોટના વેચાણ પાછળ કેટલી કિંમત મળે છે તે જોવું રહ્યું.
વડોદરા પાલિકાની આર્થિક સ્થિતી ડામાડોળ થવા પાછળનું કારણ એ છે કે, પાલિકા દ્વારા વિકાસ કામોના આપવામાં આવી રહેલા ઇજારામાં ઇજારદારોને અંદાજ કરતા વધુ ભાવો ચૂકવી રહ્યા છે. આડેધડ ટેન્ડરોમાં આપવામાં આવી રહેલા ભાવોના કારણે પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે.