વડોદરા કોર્પોરેશને વેબસાઇટ પરથી વડોદરા દર્શન બસ પ્રોજેક્ટ હટાવ્યો

સિટી ઇન્ફર્મેશન સેન્ટરની મહત્વતા ભુલાઈ, બજેટમાં જોગવાઈ નહિ

MailVadodara.com - Vadodara-Corporation-removed-Vadodara-Darshan-bus-project-from-website

- 6 વર્ષ અગાઉ વડોદરા સિટી દર્શન બસ પ્રોજેક્ટના પ્રારંભે જ મેન્ટેનન્સના નામે બંધ કર્યા બાદ આજદિન સુધી શરૂ ન કરાયો

વડોદરાને ઐતિહાસિક ધરોહરોના વારસા સાથે દેશમાં આગવી ઓળખ અપાવવાની વાતો વચ્ચે વડોદરા સીટી ઇન્ફર્મેશન સેન્ટર અને વડોદરા દર્શન બસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે તેના ઠેકાણાં ન રહેતા અને નાણાંના વેડફાટ સાથે વડોદરા કોર્પોરેશનની લાલિયાવાડી છતી થવા પામી છે.

વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ શહેરની ઐતિહાસિક ધરોહરની ઝાંખી થકી વડોદરાને આગવી ઓળખ આપવા પ્રયાસ કરી રહ્યા છે. અને વડોદરા શહેર ઐતિહાસિક વારસો ધરાવતી અનેક ધરોહર ધરાવતું હોય પર્યટન થકી આવક ઊભી કરવાની પણ જાહેરાતો કરી ચુક્યા છે. આ માટે છ વર્ષ અગાઉ પર્યટકો માટે વડોદરા સાંસદના અનુદાનમાંથી રૂપિયા 32 લાખના ખર્ચે વડોદરા સિટી દર્શન બસની શરૂઆત કરવામાં આવી હતી અને રેલવે સ્ટેશન પાસે 1.11 કરોડના ખર્ચે સિટી ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. 



જો કે, હવે પરિસ્થિતિ એ સર્જાઈ છે કે, વડોદરા સિટી ઇન્ફોર્મેશન સેન્ટર ચાર વર્ષ સુધી ધૂળ ખાધા બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેતુ તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ તાજેતરના બજેટમાં નવું બનાવવાનું આયોજન હાથ ધરાયું નથી. જ્યારે પ્રારંભે જ નિષ્ફળતા સાંપડતા મેન્ટેનન્સના નામે વડોદરા દર્શન બસની સુવિધા બંધ કર્યા બાદ આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી. જેને પગલે કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી પણ હવે સત્તાવાર તેને દૂર કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, હાલ બસ વ્હિકલપુલ શાખામાં પણ ધૂળ ખાય છે ત્યારે વડોદરાને આગવી ઓળખ માટેનું મહત્વનું આયોજન નિષ્ફળ જતા ભાવિ આયોજન અંગે સવાલો સવાલો ઉઠયા છે. અહીં કહી શકાય કે, ચોક્કસ નીતિ નિયમ અને અભ્યાસ વગર પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અઢળક નાણાંનો વ્યય થાય છે.

Share :

Leave a Comments