વડોદરા કોર્પોરેશનને વેરાની આવકના 724 કરોડનો ટાર્ગેટ પુરો કરવા 100 કરોડ ખૂટે છે

પાલિકાને લક્ષ્યાંક સિદ્ધ કરવા 31 માર્ચ સુધીમાં હજુ 100 કરોડ આવક હાંસલ કરવા પડશે

MailVadodara.com - Vadodara-Corporation-is-missing-Rs-100-crore-to-meet-its-tax-revenue-target-of-Rs-724-crore

- અત્યાર સુધીમાં પાલિકાને 625 કરોડની આવક થઇ

- વેરો ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિ-રવિની રજાઓમાં વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રહેશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 625 કરોડની વસુલાત થઈ છે. હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા 20 દિવસમાં હજુ 100 કરોડ આવક હાંસલ કરવી પડશે. રોજ સરેરાશ પાંચ કરોડની આવક પ્રાપ્ત કરવા કહ્યું છે.

વડોદરા કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર દ્વારા આસિસ્ટન્ટ કમિશનરો, વોર્ડ ઓફિસરો અને રેવન્યુ ઓફિસરોની મીટીંગ રાખવામાં આવી હતી અને બાકી રહેલા લક્ષ્યાંકને પહોંચી વળવા હવે વધુ કડક કાર્યવાહી શરૂ કરવા સુચના આપી છે. પ્રી-ડેટ ચેકો મેળવી લેવા ઉપરાંત બાકી વેરો નહીં ભરવા બદલ કોમર્શિયલ મિલકતો સીલ કરવી અને રહેણાંક મિલકતોનો વેરો બાકી હોય તો પાણીના કનેક્શન કાપવા સુધીની પણ કામગીરી કરવામાં આવશે. જે વોર્ડમાં નબળી કામગીરી છે, ત્યાં વન ડે વન વોર્ડ મુજબ ખાસ ટીમો મોકલીને પણ વસૂલાતની કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધીમાં વેરો નહીં ભરનાર લોકોને વોરંટ અને નોટિસો પણ આપવામાં આવી છે. બાકી વેરો ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિ-રવિની રજાઓમાં વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા હાલ પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના પણ ચાલુ છે.

Share :

Leave a Comments