વડોદરા કોર્પોરેશન એક્શનમાં : સરદાર ભવનના ખાંચામાં 100થી વધુ દુકાનોના ગેરકાયદે બનાવેલા ઓટલા અને પગથિયા તોડી પાડ્યા

183 દુકાનોને મારેલ સીલ ખોલી આપવા અંગે થયેલી ભાંજગડ બાદ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી!

MailVadodara.com - Vadodara-Corporation-in-Action-Over-100-Illegal-Shops-and-Steps-demolished-in-Sardar-Bhawan-Khancha


શહેરની મધ્યમાં આવેલા સરદાર ભુવનના ખાંચાની 183 દુકાનો સીલ માર્યા બાદ તેને પુનઃ શરૂ કરાવવા ગઈકાલે ભાજપમાં થયેલી ભાંજગડ બાદ માપણી શરૂ કરી પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે દુકાનો તેમજ મકાનોની આગળ બનાવેલા ગેરકાયદે ઓટલાના દબાણો તેમજ પગથિયાં સહિત ૧૦૦ જેટલા દબાણો તોડી પાડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાતા ઘટના સ્થળે દુકાનદારો સહિત સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે એક જગ્યાએ પાણી ટાંકીનો ગેરકાયદે સ્લેબ તોડવા બાબતે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પાલિકા તંત્રએ આ સ્લેબ તોડવાની કામગીરી મોકુફ કરી હતી.

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સરદાર ભુવનના ખાંચામાં કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર એનઓસી બાબતે અનેક વ્યાપારી કોમ્પલેક્સો સહીત 183 દુકાનોને મારવામાં આવેલા સીલ ખોલી આપવા અંગે સ્થાનિક વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી. 


આ દરમિયાન પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત સ્થાનિક કોર્પોરેટરો પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે મોટી સંખ્યામાં એકત્ર વેપારીઓએ પોતપોતાના ધંધા રોજગાર વહેલીતકે શરૂ થાય એ બાબતે પાલિકા પદાધિકારીઓને રજૂઆત કરી હતી. સાથે સાથે દુકાનદારોએ પોતપોતાના વધારાના ગેરકાયદે દબાણો પણ ખસેડવા બાંહેધરી આપી હતી. જોકે પાલિકા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે જો ગેરકાયદે દબાણો સ્વૈચ્છિક રીતે તોડવામાં નહીંે આવે તો પાલિકા તંત્રના દબાણ શાખા દ્વારા તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવશે અને આવા જ જે કોઈના ગેરકાયદે દબાણો હશે તેમની પાસેથી પાલિકા તંત્ર દ્વારા નિયત થયેલા ચાર્જ વસૂલ કરવામાં આવશે.

સરદાર ભુવનના ખાંચાની દુકાનોના સીલ ખોલી આપવા અંગે ભાજપમાં થયેલી ભાંજગડ બાદ આજે વહેલી સવારથી વડોદરા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાની સૂચનાથી ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની ટીમે સરદાર ભુવનના ખાચામાં રસ્તા રેષાની માપણી શરૂ કરવામાં આવી હતી અને તે માપણીને આધારે કેટલાક વેપારીઓએ દુકાનોમાં પ્રવેશ કરવા માટે દાદર ઓટલા બાંધેલા હતા તે તોડી નાખવાની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય રસ્તા પરની અંદાજે 100 જેટલી દુકાનોના ઓટલા અને દાદરો તોડવાની કામગીરી કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, વેપારીઓ અને કોર્પોરેશન વચ્ચે દબાણો તોડવા અને પાર્કિંગ મુદ્દે નિર્ણય લીધા બાદ ગઈકાલે મોડી સાંજે ભાજપ ઓફિસ ખાતે ડેપ્યુટી મેયર બે કોર્પોરેટર તથા કેટલાક વેપારીઓ શહેર ભાજપ પ્રમુખને મળ્યા હતા અને દબાણો નહીં તોડવા અને વેપારીઓની દુકાનોને મારેલા સીલ વહેલી તકે ખોલી આપવા માટે મ્યુનિસિપલ કમિશનર પર રાજકીય દબાણ વધ્યું હતું.


જ્યારે બીજી બાજુ વેપારીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમો પાલિકા તંત્રને જરૂરી બધી જ મદદ કરવા તૈયાર છીએ. આ ઉપરાંત વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પાર્કિંગના કારણે માથાના દુખાવા સમાન બની છે. જેથી પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પોતપોતાના વેપાર ધંધાના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા અચૂક કરવી જોઈએ. જોકે તેમણે ટ્રાફિક પોલીસ સાથે મળીને આ વિસ્તારમાં "ઓન ઓડ ડેટ' પાર્કિંગની સ્કીમનો અમલ કરવા પણ વિચારણા કરાશે તેમ જણાવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની દુર્ઘટના અને સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ મુદ્દે થયેલી હત્યા બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને ફાયર બ્રિગેડના એનઓસી અને પાર્કિંગ મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સરદાર ભવનના ખાચામાં અનેક કોમર્શિયલ બિલ્ડીંગો આવેલી છે અને મોટા ભાગની કોમર્શિયલ બિલ્ડીંગોના વેપારીઓ પાસે ફાયર એનઓસી નહીં હોવાથી ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા અનેક દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા અને કેટલીક દુકાનના સંચાલકોને નોટિસો પણ ફટકારવામાં આવી હતી. જોકે આ વિસ્તારમાં મોટાભાગના તમામ દુકાનદારો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના દુકાનદારોએ રોડ રસ્તાની જગ્યામાં ગેરકાયદે દબાણો ઓટલા અને દાદર બનાવી દીધા છે. પરિણામે વાહન ચાલકો સામસામા આવી જાય ત્યારે કેટલીય વખત તકરાર સહિત મારામારી જેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.

Share :

Leave a Comments