વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગ નિયંત્રણ કામગીરી માટે હેલ્થ વર્કરની ભરતી કરાશે

શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જરૂરિયાત મુજબ વર્કરોની ફાળવણી કરાશે

MailVadodara.com - Vadodara-Corporation-health-department-will-recruit-health-workers-for-disease-control-operations

- ભરતીમાં 106 પબ્લિક હેલ્થ વર્કર અને 448 પુરુષ ફિલ્ડ વર્કરોને સમાવાશે

- આજથી ઓનલાઇન અરજી મંગાવવાનું શરૂ, 30મી સુધી અરજી કરી શકાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન 2024 હેઠળ વાહક જન્ય રોગ અને પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રની કામગીરી માટે 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા કુલ 554 વર્કરની ભરતી કરવામાં આવનાર છે. આ માટે આજથી ઓનલાઇન અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું છે. આ અરજીઓ તારીખ 30 નવેમ્બર સુધી કરી શકાશે. 

વડોદરા કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જરૂરિયાત મુજબ આ વર્કરોની ફાળવણી કરાશે. વડોદરા કોર્પોરેશન દર વર્ષે 11 મહિનાના કરાર આધારિત આ રીતે હંગામી ધોરણે ભરતી કરે છે. ચાલુ વર્ષે જે લોકોની ભરતી કરાઈ હતી તેની સમય મર્યાદા આગામી માર્ચમાં પૂર્ણ થાય, તે પહેલા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે ભરતી કરવાની છે તેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર અને 448 પુરુષ ફિલ્ડ વર્કરનો સમાવેશ થાય છે. આ ભરતીની પ્રક્રિયા સીધી ભરતી દ્વારા થશે. ઓનલાઇન સિવાય બીજી કોઈ રીતે અરજીઓ સ્વીકારવામાં નહીં આવે તેમ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે. તારીખ 30 બાદ જેટલી અરજીઓ આવી હશે તેની શૈક્ષણિક લાયકાત વગેરે ધ્યાનમાં રાખીને સ્ક્રુટીની કરીને મેરીટ લીસ્ટ તૈયાર કરશે અને ત્યારબાદ સિલેક્શન કરવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયામાં બે ત્રણ મહિના સમય નીકળી જશે. જે દરમિયાન હાલના હેલ્થ વર્કરની મુદત પૂરી થાય તે પૂર્વે નવા હેલ્થ વર્કરનું સિલેક્શન કરી કામે લગાડી શકાય. આ હેલ્થ વર્કરો વાહક જન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી માટે ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ, ફોગિંગ કરવું, સર્વે કરવો, સેમ્પલો લેવા, ફીવરનો સર્વે કરવો વગેરેની કામગીરી કરશે. ચાલુ વર્ષના પ્રારંભે 11 માસ કરાર આધારિત જે ભરતી કરવામાં આવી હતી તે માટે 12,804 અરજી મળી હતી. જેમાંથી પબ્લિક હેલ્થ વર્કરની 2,702 પુરુષ ફિલ્ડ વર્કરની 4013 અરજી મળી કુલ 6,715 ગેર લાયક ઠરી હતી. પસંદગી પામેલા કર્મચારીઓમાંથી બે પ્રયત્નએ 522 કર્મચારી હાજર થયા હતા અને બાકીના 32 ને હાજર થવા માટે ત્રીજી વખત યાદી પ્રસિદ્ધ કરી હતી.

Share :

Leave a Comments