- વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કાર્યવાહી કરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા લેવાયેલા ફૂડના નમૂના લેબોરેટરીમાં તપાસતાં 15 નમૂના નાપાસ થયા છે. વડોદરા શહેર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તેમજ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા સૂચના આપવામાં આવતા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા નવરાત્રીથી અત્યાર સુધીમાં દિવાળી તહેવારને અનુલક્ષીને ફુડ સેફ્ટી પખવાડીયાની કામગીરી કરવામાં આવી હતી.
વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી પનીર, માવો, આઇસક્રિમ, તેલ, ઘી વગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, કેન્ટીન તેમજ રેસ્ટોરન્ટ વગેરેમાં ચકાસણી કરવામાં આવી હતી. વડોદરા શહેરનાં ગોરવા, આજવારોડ, વાઘોડિયા રોડ, ફતેગંજ, સયાજીગંજ, ગોત્રી રોડ, માંજલપુર, ન્યુ સમા રોડ, અટલાદરા રોડ, હરણી રોડ વગેરે વિસ્તારોમાં આ તપાસ કરવામાં આવી હતી. ફતેગંજની પબ્લિક હેલ્થ લેબોરેટરીના ફુડ એનાલિસ્ટના રીપોર્ટના આધારે જે 15-નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે તે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સબ સ્ટાન્ડર્ડ એટલે ફૂડના જે ધારા ધોરણો નક્કી કરવામાં આવેલા છે તેના કરતાં હલકી કક્ષાનું ફૂડ વેપારીઓ સામે હવે જે કાર્યવાહી થવાની છે તે રેસીડેન્ટ એડિશનલ કલેકટરની કોર્ટમાં થશે.