વડોદરા કોર્પોરેશને મિલકત વેરા ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કર્યો, અત્યાર સુધીમાં 338 કરોડ આવક થઈ

બિલની મુદત પૂરી થયા વેરો ભરવામાં આવશે તો વ્યાજ, દંડ અને પેનલ્ટી વસૂલ કરાશે

MailVadodara.com - Vadodara-Corporation-extends-property-tax-filing-deadline-by-15-days-collects-Rs-338-crore-so-far

- ચાલુ વર્ષમાં પાલિકાએ વેરાની આવકનો અંદાજ આશરે 560 કરોડ મૂક્યો


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના મિલકત વેરા ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં તારીખ 1 એપ્રિલથી અત્યાર સુધીમાં સામાન્ય વેરાની કુલ વસુલાત 338.31 કરોડ થઈ છે. જેમાં મિલકત વેરાની આવક સૌથી વધુ 291.18 કરોડ થઈ છે. આ ઉપરાંત વ્યવસાય વેરાની આવક 20.3 કરોડ, વ્હીકલ ટેક્સની આવક 26.27 કરોડ અને વોટર ટેક્સની આવક 81.36 લાખ થઈ છે. 

વડોદરા કોર્પોરેશનના 19 વહીવટી વોર્ડ છે. જેમાં પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 નો સમાવેશ થાય છે. જેમાં બિલ ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર હતી, તે વધારીને 9 નવેમ્બર કરી છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13 નો સમાવેશ થાય છે. જેમાં બિલ ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. જેમાં 15 દિવસની મુદત વધારીને તારીખ 16 નવેમ્બર કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15 નો સમાવેશ થાય છે. જેમાં વેરા બિલ ભરવાની છેલ્લી તારીખ 8 નવેમ્બર છે. તે વધારીને 23 નવેમ્બર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19 માં બિલ ભરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર છે તે વધારીને 28 નવેમ્બર કરવામાં આવી છે.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, વેરા બિલ ભરવાની છેલ્લી તારીખ સુધી બિલ સ્વીકારવાનો દરેક વોર્ડ કચેરીમાં સમય સવારનો 9:30 થી બપોરના 4 વાગ્યા સુધી છે. બિલ ભરવાની મુદતમાં વધારો કરેલો હોવાથી નવી છેલ્લી તારીખ સુધીમાં અચૂક બિલ ભરી દેવા કહ્યું છે. વેરાના બીલ બાબતે વધુ કોઈ સમજ મેળવવા તેમજ જો કોઈ કર દાતાને ચાલુ વર્ષના વેરાના બિલ મળ્યા ન હોય તો જે તે વોર્ડ કચેરીનો સંપર્ક કરવા કહ્યું છે. બિલની મુદત પૂરી થયા વેરો ભરવામાં આવશે તો વ્યાજ, દંડ અને પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન પણ વેરો ભરી શકાય છે. 

કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે એડવાન્સમાં વેરો ભરવામાં આવે તો વળતર આપવાની યોજના અમલમાં મૂકી હતી. જેનો 1.11 લાખ લોકોએ એડવાન્સમાં વેરો ભર્યો હતો. બાકી રહેલા 7,08,676 લોકોને વેરાના બિલો આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષમાં કોર્પોરેશનમાં વેરાની આવકનો અંદાજ આશરે 560 કરોડ મૂકવામાં આવ્યો છે.

Share :

Leave a Comments