વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણોની સાથે-સાથે વરસાદી કાંસો પર થયેલા દબાણોનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.
આજે કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાંસ ઉપર બનેલા 12 શેડના દબાણો દૂર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. અહીં પતરાના શેડમાં કાર રીપેરીંગના ગેરેજ છે. આ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ અહીં 30 ફૂટનો રોડ છે, અને 30 ફૂટના રોડમાં જે દબાણો આવે છે તે તોડવાનું કાર્ય સવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ કર્યું હતું. તોડફોડ પહેલા 30 ફૂટના રોડની માપણી કરવામાં આવી હતી. હજુ ગઈકાલે કોર્પોરેશન દ્વારા હાઇવેને સમાંતર આવેલી વરસાદી કાંસ ઉપરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. વર્ષોથી આ દબાણો તોડવામાં આવતા ન હતા. હરણી દરજીપુરા પાસે આજવા બ્રિજ તરફ એપ્રોચ રોડ પરના પાંચ દબાણો તોડવામાં આવ્યા હતા. અગાઉ વિશ્વામિત્રી નદીના પૂરને લીધે વિશ્વામિત્રી પરના દબાણો તોડવા કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં મંગલપાંડે રોડ પર અગોરા મોલનું ક્લબ હાઉસનું દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. કોર્પોરેશનની નોટિસ બાદ કેટલા કે સ્વેચ્છિક પણ દબાણ તોડ્યા છે.