વડોદરા કોર્પોરેશને વરસાદી ગટરો, તળાવો સહિત પ્રિ-મોન્સૂનની 90% કામગીરી પૂર્ણ કર્યાનો દાવો!

દર વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થાય છે

MailVadodara.com - Vadodara-Corporation-claims-to-have-completed-90-percentage-of-pre-monsoon-work-including-rain-drains-ponds

- પ્રિ-મોન્સૂનની કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ તે કેટલા અંશે અસરકારક નીવડે છે તે આગામી ચોમાસા દરમિયાન સપાટી પર આવશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં વરસાદી ગટરો, વરસાદી કાંસ, તળાવો, મેન હોલ, કેચપીટ વગેરેની સફાઈ થઈ રહી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી 90 ટકા પૂર્ણ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાના ખર્ચ થયા બાદ હવે કોર્પોરેશનની પ્રિ મોન્સુન કામગીરી કેટલા અંશે અસરકારક નીવડે છે તે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સપાટી પર આવશે.

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે ચાર ઝોનમાં 34,984 મેન હોલ, 29,545 કેચપીટ, 55080 વરસાદી કાંસ અને 1,13,546 વરસાદી ચેનલની સફાઈ કરવામાં આવી છે. તદુપરાંત તળાવોની સફાઈ ચાલી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે વૃક્ષ ટ્રીમિંગ કામગીરી ચાલી રહી છે. શોર્ટ સર્કિટની ઘટના ન ઘટે  તે માટે વીજ પેનલોનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે. આમ કહી શકાય કે, વડોદરા કોર્પોરેશને 90 ટકા પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી કાસ ઉપર દબાણ હોય તેને પણ દૂર કરવાની કામગીરી કોર્પોરેશન હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે. 

તો બીજી તરફ ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જ વરસાદ વરસતા પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થાય છે. અને પ્રતિ વર્ષની માફક નિયત સ્થળોએ પાણીનો ભરાવો થતા પ્રિમોન્સૂન કામગીરી પાછળ થયેલ ખર્ચ બાબતે સવાલો ઊભા થાય છે. ત્યારે આ બાબતે પણ તંત્રએ લૂલો બચાવ કરતા કહ્યું છે કે, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના માધ્યમથી આગામી દિવસોમાં નિયત સ્થળોએ ભરાતા વરસાદી પાણી જમીનમાં ઉતારવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 

આ મામલે વિપક્ષે કહ્યું હતું કે, માત્ર મેઇન રોડ ઉપર ચેમ્બરો ખોલીને ઉપર ઉપરથી કચરો અને માટી બહાર કાઢી નાખ્યા બાદ નીચે લાઈનમાં જે સ્લજ જામેલો હોય છે તે સાફ થતો જ નથી. પરિણામે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન ગટર લાઈનો ચોકઅપ થઈ જાય છે. 

દર વર્ષે પહેલા ચોમાસામાં શહેરમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે તંત્રના આયોજનમાં કચાશ રહે છે અથવા નાણાનો વેડફાટ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ સ્લેબ વાળી વરસાદી કાંસની સાથે ઘણા સ્થળોએ સફાઈની કામગીરી બાકી હોવાની જાણકારી મળે છે. ત્યારે આગામી દિવસોમાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીથી નગરજનોને રાહત થશે કે કેમ ? તે જોવું રહ્યું.

Share :

Leave a Comments