- પોલીસે સમા નવીનગરીમાંથી વિદેશી શરાબનો વેપલો કરતી મહિલા અને રાવપુરા માર્કેટ રોડ પર વિદેશી શરાબનો જથ્થો આપવા આવેલા બે બુટલેગરો ઝડપાયા
વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડો પાડીને વિદેશી શરાબનું વેચાણ કરતા બે બુટલેગરોને ઝડપી પાડીને લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં ઠેર ઠેર વિદેશી શરાબનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. જાણે બુટલેગરોને હવે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ શરાબની હાટડીઓ ધમધમી રહી છે. આ શરાબની હાટડીઓ પર શહેર પીસીબી શાખા છાસવારે દરોડા પાડીને મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરે છે.
જેમાં પ્રથમ બનાવમાં શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે, સમા નવીનગરીમાં રહેતા દિવાળીબેન અશોકભાઈ માળી વિદેશી શરાબનો વેપલો કરે છે. જે માહિતીના આધારે સ્થળ પર જઈને દરોડો પાડતા તેઓ હાજર મળી આવ્યા હતા. તેઓ પાસેથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 39 બોટલો તેમજ 25 લીટર દેશી શરાબ પણ મળી આવ્યો હતો. પોલીસે કેતન નામના ઇસમને વોન્ટેડ જાહેર કરીને મહિલા બુટલેગરની ધરપકડ કરી 18,400નો મુદ્દામાલ કબજે લીધો છે.
જ્યારે બીજા બનાવમાં વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે, સુવાલાલ ઉર્ફે શીવાભાઈ પંચાલ નામનો ઈસમ પોતાના છોટાહાથી ટેમ્પોમાં વિદેશી શરાબની પેટીઓ લઈને રાવપુરા માર્કેટ રોડ પર ડાલસન શોરૂમની ગલીમાં નરેશ ઉર્ફે ભુરીયા કહારને આપવા માટે આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા ટેમ્પોચાલક સ્થળ પર પહોંચતાની સાથે તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી વિદેશી શરાબની 40 નંગ બોટલો તેમજ ત્રણ મોબાઈલ ફોન અને ટેમ્પો મળીને કુલ 1,79,150 ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગર સુવાલાલ ઉર્ફે શીવાભાઈ પંચાલ તેમજ નરેશ કહારની ધરપકડ કરી અેક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.