- શહેર ભાજપ પ્રમુખ દ્વારા નવા પ્રમુખની નિમણૂક પૂર્વે આવતીકાલે 19મી ડિસેમ્બરના રોજ સુપ્રસિદ્ધ દ્વારકાધીશના મંદિર ઉપર ધજા ચઢાવવાનું આયોજન કરાતા ચર્ચાનો વિષય
ભાજપા દ્વારા ગુજરાતમાં માળખું બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં શહેર પ્રમુખોનો પણ સમાવેશ થાય છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા તા. 19મીએ દ્વારકા ખાતે દ્વારકાધીશ ભગવાનના મંદિર પર ધજા ચઢાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે તેઓ કાઉન્સિલરો અને વોર્ડ પ્રમુખો સાથે દ્વારકા જવા રવાના થશે. શહેર ભાજપા પ્રમુખના આ આયોજનને પગલે શહેર ભાજપામાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
હાલ નવા પ્રમુખ માટે કવાયત ચાલી રહી છે. અગાઉના પ્રમુખ બે ટર્મ રહી ચૂક્યા છે, ત્યારે આ વખતે ડો. વિજય શાહને પણ રિપીટ કરવામાં આવે તેમ મનાય છે. આમ છતાં, ભાજપામાં ક્યારે કોનું પત્તું કપાય તે નક્કી હોતું નથી. આ સ્થિતીમાં એક માત્ર આશરો ભગવાનનો રહેતો હોય છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા નવા પ્રમુખની નિમણૂક પૂર્વે તા. 19મી ડિસેમ્બરના રોજ સુપ્રસિદ્ધ દ્વારકાધીશના મંદિર ઉપર ધજા ચઢાવવાનું આયોજન કરવામાં આવતા શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય એ પણ છે કે, હાલ વોર્ડ પ્રમુખોની નિમણૂકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઇ છે. વોર્ડ પ્રમુખ બનવા માટે દાવેદારોએ પ્રયાસો શરૂ કરી દીધા છે. તો બીજી બાજુ શહેર ભાજપ પ્રમુખે પણ પ્રમુખ પદ જળવાઇ રહે તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી વિશ્વાસમાં લેવા અંગત મુલાકાત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તો આ સાથે જ શહેર ભાજપ પ્રમુખ દ્વારા દ્વારકા ખાતે મંદિર પર ધજા ચઢાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજી કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોને સાથે લઈ જવા પાછળ પક્ષની એકતા બતાવવામાં આવી રહી હોવાનું કહેવાય છે. તો બીજી બાજુ વિરોધી લોબી શહેર પ્રમુખ પદે રિપીટ થવા માટે ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી રહી છે.