- આજે વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નિયામક બોર્ડની અઢી વર્ષની ટર્મ થતા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી
વડોદરા જિલ્લાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપના મેન્ડેટના આધારે પ્રમુખ-ઉપપ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે શૈલેષ પટેલ તેમજ ઉપપ્રમુખ પદે યોગેશ પટેલની બિનહરીફ નિયુક્તિ થઈ હતી.
કેન્દ્રમાં સહકારીતા મંત્રાલયની શરૂઆત અને સહકારી ક્ષેત્રમાં પાર્ટી મેન્ડેટની શરૂઆત થતાં હવે રાજ્યની તમામ સહકારી ચૂંટણીઓમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે. સામાન્ય રીતે સહકારી ક્ષેત્રમાં કોઈ પક્ષના બેનર હેઠળ ચૂંટણી લડવામાં આવતી નથી. તેમ છતાંય શરૂ થયેલી નવી પરંપરા પ્રમાણે મેન્ડેટના આધારે જ હોદ્દેદારોની નિયુક્તિ થતી હોય છે.
આજે વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નિયામક બોર્ડની અઢી વર્ષની ટર્મ થતા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપની મેન્ડેટ પ્રક્રિયાના આધારે જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારૂ મેન્ડેટ લઈને સયાજીપુરા APMC ખાતે પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં મેન્ડેટની જાહેરાત કરી દેવામાં આવી હતી. બોર્ડરૂમમાં શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ પટેલના નામને સર્વાનુમતે સ્વીકૃતિ મળતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આગામી અઢી વર્ષ માટે નિયુક્તિ પામેલા APMCના પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવવા ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પુષ્પગુચ્છ આપીને તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2021થી APMCના પ્રમુખ તરીકે હોદ્દો સાંભળતા શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, APMCની સાથે સાથે ખેડૂતોના વિકાસ માટે પણ કર્યો થઈ રહ્યા છે. આગામી અઢી વર્ષના વિઝનમાં સયાજીપૂરા APMCમાં નવી દુકાનોના બાંધકામ માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી છે. આ સાથે ખેડૂતોને અનાજની સાફસફાઈ માટે દૂર ન જવું પડે તે માટે ઇનહાઉસ APMCના આગવા અનાજ ક્લિનિંગ પ્લાન્ટની સ્થાપના કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.