- સમિતિના સભ્યોએ સ્થળ મુલાકાત લઈને બ્રિજ ન જોડવાનો મત રજૂ કર્યો
- વધારાના ખર્ચના કારણે પાલિકા પર આર્થિક બોજ વધશે, બ્રિજ જૂની ડિઝાઇન પ્રમાણે બનાવાશે
વડોદરા શહેરના સમા તળાવ પાસે અબાકસ સર્કલ ખાતે બની રહેલા ફ્લાય ઓવરબ્રિજની સાથે હયાત ઉર્મી બ્રિજને લિંક ન કરવાનો સ્થાયી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાયી સમિતિના 5 સભ્યોએ સ્થળ ઉપર પહોંચી બ્રિજ લિંક કરવા સામે વિરોધ કર્યો હતો.
શહેરના સમા તળાવ પાસે અબાકસ સર્કલ પર નવીન ફ્લાય ઓવર બનાવવાનું કામ ઈજારદાર દિનેશચંદ્ર આર. અગ્રવાલને નેટ અંદાજ રૂપિયા 42.85 કરોડના 32 ટકા વધુ ભાવ મુજબ રૂપિયા 56.56 કરોડના ભાવે ડબલની જગ્યાએ સિંગલ પીલર ડિઝાઇન અને જુના હયાત ઉર્મિ બ્રિજ સાથે જોડાણ કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આજે મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં હયાત ઉર્મી બ્રિજ અને નવીન બની રહેલા બ્રિજને લિંક ન કરવાની મંજૂરી માંગતી આવેલી દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. હવે આ બ્રિજ જૂની ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શહેરના સમા વિસ્તારમાં અબાકસ સર્કલ પાસે નવીન બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજને હયાત ઉર્મી બ્રિજ સાથે જોઈન્ટ કરવાની વિચારણા ચાલી રહી હતી. તે સમયે સ્થાયી સમિતિના સભ્યો નિતીન દોંગા, જાગૃતિ કાકા, હેમીશા ઠક્કર, ડો. રાજેશ શાહ અને ભાણજી પટેલે ઉર્મી બ્રિજ ખાતે પહોંચી સ્થળની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન નવીન બની રહેલ બ્રિજને હયાત ઉર્મી બ્રિજ સાથે જોઈન્ટ કરવાની જરૂર નથી એવો એકમત રજૂ કર્યો હતો. જેના પગલે વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન બ્રિજ લિંક કરવા બાબતે પુનઃ સ્થાયી સમિતીમાં દરખાસ્ત લાવવામાં આવી છે. જેમા 30 મીટર રોડ પર સમા તળાવ ખાતે નવીન બ્રિજ માટે અંદાજિત રકમ રૂપિયા 42.85 કરોડના 32 ટકા વધુના ભાવે રૂપિયા 56.56 કરોડનું ચુકવણું કરવા અંતર્ગત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત ડબલ પીલરની જગ્યાએ સિંગલ પીલર અને જૂના હયાત ઉર્મિ બ્રિજ સાથે નવીન બ્રિજને જોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ દરખાસ્તમાં જણાવ્યું હતું કે, બ્રિજના માર્જિન બ્રિજની કામગીરીથી માર્જિનને કારણે સળંગ 5.5 મીટરની ઊંચાઈ મળશે. સિંગલ ડિઝાઇનના કારણે બંને તરફ 10.50 મીટર કેરેજ-વે તથા 1.50 મીટરનો ફૂટપાથ મળી રહેશે. બ્રિજને જોડવાથી 40 મીટરનો ઓબલીગેટરી સ્પાન બનવાના કારણે સર્કલવાળા બે રસ્તા પર વાહનોની અવરજવળ સરળતાથી થઈ શકશે. પાઈલ ગ્રુપ બદલાવાથી તેમજ SOR મુજબની નવીન કામગીરીનો અંદાજ 350 મીટર લંબાવવાનો હોવાથી હયાત ઉર્મિ બ્રિજ ડિમોલીશકરી ટોપ લેવલે મર્જ કરી અપડાઉનની કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ, વધારાના માર્જિનની કામગીરી સંદર્ભે કુલ રૂપિયા 120 કરોડના રિવાઇઝ અંદાજના ખર્ચ-ભાવપત્રકની મંજૂરી મળવા સહ કામગીરી કરવા હાલના મળેલ નાણાકીય સમર્થનની રકમ રૂપિયા 56.56 કરોડ બાદ વધારાના ખર્ચની રકમ રૂપિયા 64.14 કરોડની વધારાની જોગવાઈ પાલિકાના અન્ય ગ્રાન્ટ પેટે અથવા બજેટ પેટે કરવી પડશે જેથી, પાલિકા પર આર્થિક બોજ વધશે.
જોકે, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં હયાત ઉર્મી બ્રિજને સમા અરબાસ સર્કલ પાસે બની રહેલા બ્રિજ સાથે જોઇન્ટ કરવાની મંજૂરી માંગતી આવેલી દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.