વડોદરા પાલિકાના અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓના એક્સ-રેના રિપોર્ટિંગ માટે AIનો ઉપયોગ શરૂ કરાશે

એક્સ-રે ફિલ્મનો ખર્ચ ઘટશે, દર્દીને એક્સ-રેની સોફ્ટ ઈમેજ તેના ફોનમાં મળી જશે

MailVadodara.com - Urban-Health-Center-of-Vadodara-Municipality-will-start-using-AI-for-X-ray-reporting-of-patients

- કોર્પોરેશનના છાણી, માંજલપુર, અટલાદરા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ ખાતે દર્દીઓના એક્સ-રે લેવાની પણ સુવિધા ઉપલબ્ધ છે

- કોર્પોરેશન આ માટે 20 લાખના ખર્ચની મર્યાદામાં એક્સ-રે રિપોર્ટિંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપશે, જે માટે દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના છાણી, માંજલપુર, અટલાદરા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ ખાતે દર્દીઓના એક્સ-રે લેવાની પણ સુવિધા છે. એક્સ-રે લીધા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના સહયોગથી ટેલીરેડિયોલોજીના માધ્યમથી એક્સ-રે રિપોર્ટિંગ કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે. કોર્પોરેશન આ માટે 20 લાખના ખર્ચની મર્યાદામાં એક્સ-રે રિપોર્ટિંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપનાર છે. જે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ છે. 


વડોદરા કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલના કહેવા અનુસાર કોન્ટ્રાક્ટ મુજબ પ્રતિ એક્સ-રેનો રૂપિયા 50 ખર્ચ થશે. હાલ એક્સ-રે ફિલ્મ ડેવલપ કરવાનો ખર્ચ 85થી 90 જેટલો થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના સોફ્ટવેરથી એક્સ-રે ફિલ્મ ડેવલપ કરવાના ખર્ચમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત એક્સ-રે ફિલ્મની જરૂર નહીં રહે તેમ જ એક્સ-રે રિપોર્ટિંગ તૈયાર કરવા રેડિયોલોજિસ્ટો પર આધાર રાખવો નહીં પડે. એક્સ-રે રિપોર્ટિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગનો વિચાર કોર્પોરેશન છેલ્લા ત્રણ મહિનાથી કરી રહ્યું છે અને આ માટે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી એક્સ-રે રિપોર્ટિંગ માટે ટેકનોલોજીનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં આ સિસ્ટમ છાતીના એક્સ-રે માટે કરાશે અને ત્યારબાદ શરીરના બીજા અંગોના પણ એક્સ-રેના રિપોર્ટિંગ અર્થે ઉપયોગમાં લેવાશે. હાલ જે ટ્રાયલ ચાલી રહી છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રિપોર્ટિંગનું કામ સંતોષકારક રહ્યું છે અને તેની ચોકસાઈ પણ ખૂબ જ ઊંચી રહી છે. આ સિસ્ટમમાં દર્દીનો એક્સ-રે લેવાયા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સોફ્ટવેર દ્વારા તેનું મૂલ્યાંકન કરી અને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને આ રિપોર્ટ આરોગ્ય વિભાગના કોમ્પ્યુટર પર મોકલી આપવામાં આવે છે. જો દર્દી તેના પોતાનો મોબાઈલ નંબર પણ આપશે તો એક્સ-રે ની ઈમેજ અને રિપોર્ટ પણ તેને મોબાઈલ ફોન પર મોકલી શકાશે. દર્દીના એક્સ-રે અને રિપોર્ટના આધારે ડોક્ટર દર્દીની સારવાર કરી શકશે. 

જો જરૂર પડે તો રેડીયોલોજીસ્ટના અભિપ્રાય માટે પણ દર્દી મોકલી શકશે. લાંબા સમયગાળા દરમિયાન દર્દીના વધુ એક્સ-રે લેવામાં આવ્યા હોય તો એ એક્સ-રે દર્દીના દર્દની સરખામણી પણ મળી શકશે. ખાસ કરીને ટીબીના દર્દીઓ માટે આ વધુ ઉપયોગી રહેશે. દર્દીને એક્સ-રે ફિલ્મ સાથે લઈને ફરવાની પણ જરૂર નહીં પડે કારણ કે એક્સ-રે ની સોફ્ટ ઈમેજ તેના ફોનમાં સાથે જ હશે.

Share :

Leave a Comments