- મહિલાએ વાત કરવાની ઓછી કરી દેતા ઠગબાજે અવારનવાર મરી જવાની ધમકી અને સુસાઈડ નોટ મોકલી ઈમોશનલ બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા
વડોદરાની મહિલા કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપીસ્ટ સાથે અજાણ્યા શખસે મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ રૂપિયા 10 લાખથી વધુ પડાવી લીધા હતા. આ શખસે પોતે સોફ્ટવેર કન્સલ્ટન્ટ અને બોલિવૂડમાં પ્રોફેશનલ ડાન્સર હોવાની ઓળખ આપી હતી. આ મામલે મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, હું કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપીસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છું. મારાં માતા-પિતા સાથે રહી ગુજરાન ચલાવું છું. હું મારા ફોનમાં ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. ગત 03/12/2023ના રોજ હું મારા ઘરે હતી અને ફેસબુક આઈડી પર અજાણ્યા ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને મેં તેને સ્વીકારી હતી. બાદમાં અજાણ્યો વ્યક્તિ જય પટેલ પરથી મેસેજ આવ્યો અને મેં થોડી વાતચીત કરી હતી. અમારા બંને વચ્ચે વાતચીત બાદ ઈન્સ્ટાગ્રામ આઈડીની આપ-લે કરતાં બાદમાં બન્ને વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં પણ વાતચીત થવા લાગી હતી. જેમાં અજાણ્યા શખસે પોતે સોફ્ટવેર કન્સલ્ટન્ટ અને બોલિવૂડમાં પ્રોફેશનલ ડાન્સર હોવાની ઓળખ આપી હતી અને તે અમદાવાદ વસ્ત્રાપુરનો હોવાની વાત કરી હતી. બાદમાં અમારા બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી અને રોજે રોજ મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વાતચીત થતી હતી. બાદમાં વિશ્વાસ કેળવ્યો હતો.
મહિલાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તા. 25/12/2023ના રોજ ઇન્સ્ટાગ્રામ પર મેસેજમાં સામાન્ય વાતચીત દરમિયાન અમે બન્નેએ ડિસેમ્બર-2023ના અંતમાં ઉદયપુર પ્રવાસમાં જવાનું નક્કી કર્યું હતું. જેથી તે મિલન પટેલ નામના ટ્રાવેલ એજન્ટને ઓળખે છે અને રાહતદરે ટ્રિપ પ્લાન કરી આપશે તેમ કહી અમારા બન્નેનો કુલ ટ્રિપનો ખર્ચ રૂપિયા 1,15,200 જણાવી બુકિંગ માટે તેને ઇ-મેલ આઇડીનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. તેની પાસે પૈસા ન હોવાથી મેં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને બાદમાં તબિયત સારી ન હોવાથી ટ્રિપનો પ્લાન કેન્સલ થઈ ગયો હતો અને પૈસા પરત આપ્યા નહોતા. બાદમાં ઠગબાજે તારીખ 29/12/23 પોતાને લેપટોપની જરૂર છે અને સેલરી આવી ન હોવાનું કહી 30000 રૂપિયાની માગણી કરી હતી જેથી મે આપ્યા હતા. બે દિવસ બાદ ઠગબાજે ઈમોશનલ સ્ક્રિપ્ટ સેટ કરી મને વોટ્સએપમાં વોઇસ કોલ કર્યો હતો અને અમદાવાદ સેટેલાઇટ પાસે બાઇક સાથે કાર અકસ્માત થયો છે. જેમાં બાઇક સવાર બન્નેને ઇજા થયેલ છે અને પોલીસે અટકાયત કરી હોવાનું કહી રડતા રડતા રૂપિયા 25000ની મદદ માગે હતી. જે મેં રૂપિયા 15000 મોકલ્યા હતા.
થોડાક દિવસ બાદ 24 લાખ રૂપિયા સારવાર કરાવનાર વ્યક્તિને ચૂકવવાના છે અને અન્ય જગ્યાએથી નાણાં ધિરાણ લીધું છે. બાદમાં મેં વાત કરવાની ઓછી કરતા તેણે પોતે મરી જવાની ધમકી આપી હતી અને ત્યારબાદ અવારનવાર ધમકી આપી મહિલા પાસેથી રૂપિયા પડાવતો હતો. બાદમાં સુસાઈડ નોટ મોકલી ઈમોશનલ બ્લેકમેલ કરી રૂપિયા 10,68,262 રૂપિયા પડાવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.