વડોદરાના યુવકનું અનોખું સેવાકાર્ય : છેલ્લાં 4 વર્ષથી સ્લમ વિસ્તારના 150 જેટલા બાળકોને શિક્ષણ આપે છે

નિકુજ ત્રિવેદી અભ્યાસથી વંચિત રહેતા બાળકોને 7થી 9 વાગ્યા સુધી શિક્ષણ આપે છે

MailVadodara.com - Unique-service-work-of-Vadodara-youth-Educating-around-150-children-from-slum-area-for-last-4-years


- નિકુંજ ત્રિવેદીએ કહ્યું, અભ્યાસ મેળવવામાં મને જે મુશ્કેલી પડી હતી એ કોઇપણ બાળકને પડે નહિં એ માટે મારા થકી બનતા પ્રયાસો કરૂં છું

- હાલ નિકુજ ત્રિવેદી પાસે તેમના જેવી શિક્ષણ સેવા આપનાર 8 શિક્ષકો છે, જેમાં કોઇ શિક્ષક, તો કોઇ નિવૃત શિક્ષક છે, કોઇ MSUના વિદ્યાર્થીઓ છે

વડોદરા શહેરના સ્લમ વિસ્તારના એવા બાળકો-વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતા એમના અભ્યાસ અથવા પુસ્તકો માટે જરૂરી ખર્ચ કરવા આર્થિક રીતે સદ્ધર નથી. તેઓ માટે વડોદરાના નિકુંજ ત્રિવેદીએ છેલ્લા ૪ વર્ષથી સાંજના ૭ થી ૯ વાગ્યા દરમ્યાન વિનામૂલ્યે શિક્ષણ આપવાનું તેમજ એ તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને એ માટેના પોતાનાથી બનતા તમામ સફળ પ્રયાસો હાથ ધર્યા છે.  


નિકુંજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મને મારા અભ્યાસકાળ દરમ્યાન શિક્ષણ મેળવવામાં જે મુશ્કેલી પડી હતી એ મુશ્કેલી અન્ય કોઇ બાળકને પડે નહિં એ માટે મારા થકી બનતા પ્રયાસો કરૂં છું. અત્યારે કે.જી. થી ધોરણ-૧૦ સુધીના એમ કુલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અત્યારે નિકુંજ ત્રિવેદીની શિક્ષણછાયામાં શિક્ષણ મેળવી રહ્યા છે. 


નિકુંજ ત્રિવેદી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેઓ સાંજના સમયે નોકરી પરથી આવ્યા બાદ સ્લમ વિસ્તારના અને અભ્યાસથી વંચિત રહેતા તમામ બાળકોને છેલ્લા ૪ વર્ષથી વિનામૂલ્યે અને સાચા અર્થમાં શિક્ષણ આપવાનું સેવાકાર્ય કરે છે. હાલના સમયમાં એમની પાસે તેમના જેવી શિક્ષણ સેવા આપનાર શિક્ષકોની સંખ્યા ૮ જેટલી છે, જેમાં કોઇ શિક્ષક છે તો કોઇ નિવૃત શિક્ષક છે. કોઇ એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓ છે, જેઓએ પહેલાં નિકુંજ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ જ રીતે અભ્યાસ કર્યો હતો. આમ, તેઓ દરેક વિષયને ધ્યાને રાખી વડોદરા શહેરના તુલસીવાડી હોલ ખાતે દરરોજ સાંજના ૭ થી ૯ વાગ્યા સુધી અભ્યાસ કરાવે છે અને આ સેવાકાર્યમાં એમને સાચા અર્થમાં શિક્ષણ આપવાનું સેવાકાર્ય કર્યાનો આનંદ મળે છે. 


અમારો મૂળ હેતું આર્થિક રીતે પછાત અને નબળી પરિસ્થિતિના કારણે અભ્યાસથી વંચિત રહેતા બાળકોનું ભવિષ્ય સુધરે અને તેઓ કોઇપણ પરિસ્થિતિમાં ડગે નહિં એ જ રહ્યો છે. અમને પણ બાળકોને ભણાવવાનું ગમે છે. બાળકો અને એમના માતા-પિતા તરફથી અમને પુરતો આવકાર મળ્યો છે, ટૂંકમાં અમે જે સ્થિતિમાંથી પસાર થયા એવી સ્થિતિનો સામનો આ બાળકોને કરવો પડે નહિં એ જ ભાવના સાથે અમે આ માનવતાભર્યું કાર્ય હાથ ધર્યું છે એમ નિકુંજ ત્રિવેદીએ વિગતે જણાવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે અહીં અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓ શહેરની નામાંકિત કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે અને કોલેજ સિવાયનો સાંજનો ૭ થી ૯ વાગ્યાનો સમય આ બાળકોનું ભવિષ્ય બનાવવા પાછળ વિતાવે છે.


Share :

Leave a Comments