- આ યોજના આગામી એક મહિના માટે તારીખ 5 જૂન સુધી અમલમાં રહેશે
વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના મિલકત વેરાના બિલો માટે એડવાન્સ ટેક્સ રીબેટ યોજના અમલી કરી છે. જેનો કરદાતાઓએ લાભ ઉઠાવતા પાલિકાને છેલ્લા પાંચ દિવસમાં 8.5 કરોડની આવક ઊભી થવા પામી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24ના મિલકત વેરાના બિલની રકમ અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ સહિત એકસાથે ભરપાઇ કરે તો રિબેટ (વળતર) આપવાની યોજના તારીખ 6 મેથી શરૂ કરી છે. મિલકત વેરાની રકમ કોઈપણ વહીવટી વોર્ડ નંબર 1 થી 19 ની ઓફિસમાં રૂબરૂ તથા કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન પણ ભરી શકાશે. વર્ષ 2023-24 માટે એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળતર) યોજના અમલમાં મૂકવાથી શહેરનાં અંદાજે 8.20 લાખ કરદાતાઓને આ યોજનાનો લાભ મળી શકે તેમ છે, એવું કોર્પોરેશનનું માનવું છે.
ચાલુ વર્ષે મિલકત વેરા પેટે 560 કરોડની આવક થવાનો અંદાજ છે. આ રિબેટ યોજનાનો કરદાતાઓએ લાભ ઉઠાવતાં બુધવારે વધુ 1.83 કરોડની આવક સાથે કોર્પોરેશનને છેલ્લા પાંચ દિવસમાં 8.5 કરોડની આવક થઇ છે. જેમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતોનો સમાવેશ થાય છે. આ યોજના હાલ એક મહિના માટે તારીખ 5 જૂન સુધી અમલમાં રહેશે. એડવાન્સ વેરાની રકમ ઓનલાઇન ભરવા લોકો પ્રેરાય તે માટે પ્રોત્સાહન આપવા સર્વ પ્રથમ વખત 1 ટકા વધુ રિબેટ આપવામાં આવશે. રહેણાંક મિલકત માટે પ્રોપર્ટી ટેક્ષમાં 10 ટકા અને કોમર્શિયલ મિલકત માટે 5 ટકા વળતર અપાશે.