- બી.એલ.સી.ના આવાસો માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 3.50 લાખની સહાય તબ્બક્કાવાર આપવામાં આવે છે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇલેક્શન વોર્ડ નં.5મા બનેલા 17 જેટલા બી.એલ.સી.ના લાભાર્થીઓના ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો.
ગરીબોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તથા જે કાચા મકાનો છે. તેને પાકા બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બી.એલ.સી.ના આવાસો માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 3.50 લાખની સહાય તબ્બક્કાવાર આપવામાં આવે છે. જેના માટે લાભાર્થીઓએ પોતાના રહેણાંક આવાસના પૂરાવા, આધારકાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા કાચા મકાનના ફોટો સાથે આ યોજના માટે અરજી કરવાની હોય છે. અરજી મંજૂર થયે લાભાર્થીઓના મકાનની કામગીરી શરૂ થાય છે. ત્યારબાદ તબક્કાવાર સરકારી સહાય થકી આવાસ તૈયાર કરી આપવામાં આવે છે.
આજરોજ શહેરના ઇલેક્શન વોર્ડ નં.5 વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં આવેલા હિરાબાનગર સોસાયટીમાં 17 જેટલા બી.એલ.સી. આવાસોના લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ સાથે તમામ લાભાર્થીઓને મિઠાઇ ખવડાવી મ્હોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન અને વોર્ડ 5ના કાઉન્સિલર ડો.હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલરો નૈતિકભાઇ, પ્રફુલ્લાબેન જેઠવા, પ્રોજેકટ હેડ રામભાઇ, પ્રમુખ કરસન રબારી, ભોજાભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.