- જિલ્લા પંચાયતને ફાળે આવેલા 36 તળાવોમાં એક પણ નવું તળાવ થવાનું નથી, તમામ તળાવોને બે લાખના ખર્ચ મર્યાદામાં બે મહિનામાં ઊંડા કરવાનું કામ કરાશે!
વડાપ્રધાનની અમૃત સરોવર યોજનાનો ટાર્ગેટ પુરો કરવા રહી રહીને જિલ્લા પંચાયત દ્વારા 36 તળાવોને ઉંડા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ તળાવોને ચોમાસા પહેલાં બે મહિનામાં ઉંડા કરવામાં આવશે. જાેકે આ 36 તળાવોમાં એકપણ નવા તળાવની કોઇ જોગવાઇ કરવામાં આવી નથી.
વડાપ્રધાને આઝાદીના અમૃત પર્વને અનુલક્ષીને દરેક જિલ્લામાં 38 અમૃત સરોવરનો ટાર્ગેટ આપ્યો છે. જે અંતર્ગત નવા તળાવો પણ બનાવી શકાય છે તેમજ જૂના તળાવોને પણ ઉંડા કરીને બ્યુટીફિકેશન કરી શકાય છે.
વડોદરા જિલ્લામાં ચોમાસા પહેલાં 38 અમૃત સરોવરનો ટાર્ગેટ પુરો કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ જિલ્લા પંચાયતને ફાળે 36 તળાવો આવ્યા છે. જે તળાવોને બે મહિનામાં ઉંડા કરવામાં આવશે. આજે જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિની મીટિંગમાં આ તળાવોને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, વડોદરા જિલ્લા પંચાયતને ફાળે આવેલા 36 તળાવોમાં એક પણ નવું તળાવ થવાનું નથી. જિલ્લા પંચાયત તમામ 36 તળાવોને ઉંડા કરવાનું કામ કરશે. જે પેટે IOCL જાહેર સાહસ પાસેથી તળાવ દીઠ બે લાખની મદદ મળવાની છે. આમ, બે લાખમાં તળાવનું કેટલું કામ થશે તે પણ એક સવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચોમાસાના સમયે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. જીલ્લા પંચાયત હદ વિસ્તારમાં મરામતના કામો કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ જીલ્લા પંચાયત સદસ્યને આ કામો થયા છે કે કેમ તેની જાણકારી ન હતી. જે બાદમાં કારોબારી સમિતિમાં આ કામગીરીનો ખર્ચ બે વાર મુલતવી કરવામાં આવ્યો હતો. જોકે હવે પ્રતિ તળાવ બે લાખની ખર્ચ મર્યાદામાં સિંચાઈ વિભાગ દ્વારા કઈ રીતે તળાવોને ઊંડા કરવામાં આવશે તે પ્રશ્ન ઉભો થાય છે.