પાદરામાં સાસરિયાંનો ત્રાસ સહન ન થતાં માતાએ બે માસૂમ સંતાનો સાથે તળાવમાં ઝંપલાવ્યું

માતાએ બે સંતાનો સાથે આપઘાત કરતાં લતીપુરા ગામ સહિત પાદરા પંથકમાં ચકચાર

MailVadodara.com - Unable-to-bear-the-torture-of-the-in-laws-in-Padra-the-mother-jumped-into-the-lake-with-her-two-innocent-children

- પરિણીતાના પિતાએ પાદરા પોલીસ મથકમાં જમાઈ સહિત છ સાસરિયાં સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મોડીરાત્રે તમામની ધરપકડ કરી

- મકાનની માગ ન સ્વીકારતાં જમાઈ સહિત સાસરિયાંઓ પરિણીતા પર ત્રાસ ગુજારતા હતા


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લતીપુરા ગામમાં પરણાવેલી દીકરીના પતિની મકાનની માગ ન સ્વીકારતાં જમાઈ સહિત સાસરિયાંએ અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું હતું. આખરે દીકરીથી ત્રાસ સહન ન થતાં ગઈકાલે પોતાનાં બે માસૂમ સંતાનો સાથે પાદરાના અંબાજી તળાવમાં પડતૂં મૂકી આપઘાત કરી લીધો હતો. આ મામલે પરિણીતાના પિતાએ પાદરા પોલીસ મથકમાં જમાઈ સહિત છ સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. પિતાની ફરિયાદના આધારે પોલીસે તમામની મોડી રાત્રે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના લતીપુરા ગામની પરિણીતા રશ્મિકાબહેન રતિલાલ વાઘેલાએ શુક્રવારે બપોરે પોતાનાં બે સંતાનો રુદ્ર (ઉં.વ.12) અને દક્ષ (ઉં.વ.9) સાથે પાદરાના અંબાજી તળાવમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ સામૂહિક આપઘાતને પગલે લતીપુરા ગામ સહિત પાદરા પંથકમાં ચકચાર જગાવી મૂકી હતી.


વડોદરા જિલ્લાના કરજણમાં ઓમ શાંતિનગર સોસાયટીમાં રહેતા મગનભાઇ ધનજીભાઇ વણકરે પાદરા પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે, મગનભાઇ વણકર ઓટોરિક્ષા ચલાવે છે. તેમની મોટી દીકરી રશ્મિકાના લગ્ન વર્ષ-2011માં લતીપુરા ગામના રતિલાલ વાઘેલા સાથે થયા હતા. એ.બી.બી.માં નોકરી કરતા રતિલાલ વાઘેલાએ ભાયલી ખાતે આવેલું સસરા મગનભાઇ વણકર પાસે મકાન રહેવા માટે માગ્યું હતું, પરંતુ સસરાએ મકાન આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી રતિલાલે પત્ની રશ્મિકા પર ભાયલીના મકાન માટે દબાણ કર્યું હતું. એમાં રશ્મિકાએ પણ પિતાની માલિકીનું મકાન રહેવા માટે માગવાનો ઇનકાર કરી દીધો હતો. 


પત્ની અને સસરાએ મકાન આપવાનો જે દિવસે ઇનકાર કર્યો એ દિવસથી પતિ રતિલાલ તેમજ સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવારનવાર ઝઘડો કરીને પતિ તથા સાસરિયાં રશ્મિકાને સંતાનો સાથે મરી જવા માટે કહેતાં હતાં. આખરે રશ્મિકા શુક્રવારે બપોરે પોતાના બે સંતાન રુદ્ર અને દક્ષને લઈ ઘરેથી નીકળી ગઇ હતી અને પાદરા અંબાજી તળાવમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.


પાદરા પોલીસે ફરિયાદના આધારે લતીપુરા ગામમાં રહેતા પરિણીતાના પતિ રતિલાલ વાઘેલા (રહે. લતીપુરા), સસરા ધુળાભાઇ શંકરભાઇ વાઘેલા, સાસુ રેવાબહેન વાઘેલા, જેઠ વિનોદ વાઘેલા (રહે. અટલાદરા, વડોદરા), જેઠાણી ધર્મિષ્ઠાબહેન વાઘેલા (રહે. અટલાદરા, વડોદરા) અને નણંદ મીનાબહેન શાંતિલાલ પરમાર (રહે. ઝેન સ્કૂલ સામે, પાદરા) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments