લાંછનપુરા ગામે મહી નદીમાં નાહવા પડેલા વડોદરાના બે યુવક ડૂબ્યા, બંને પરિવારના એકના એક પુત્ર હતા

બંને મિત્રો ગઇકાલે ગુરૂવારે સવારે ઘરેથી કોઇને જાણ કર્યા વગર નાહવા માટે ગયા હતા

MailVadodara.com - Two-youths-from-Vadodara-sons-of-one-family-drowned-after-bathing-in-Mahi-river-at-Lanchanpura-village

- દિપક કુશ્વાહાના એક મહિના પહેલાં જ લગ્ન થયા હતા,

- બંને યુવકોને નદીમાં લાપતા થયાને 20 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે પણ હજુ સુધી મળ્યા નથી


વડોદરાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયેલા બે મિત્રો ડૂબી જતા લાપતા થઇ ગયા હતા. મહી નદીના ધસમસતા પાણીમાં લાપતા થયેલા બંને મિત્રોની એનડીઆરએફની ટીમ લાપતા મિત્રોની શોધખોળમાં લાગી. બંને યુવકોને નદીમાં લાપતા થયાને 20 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે પણ હજુ સુધી મળ્યા નથી. બંને મિત્રો પરિવારના એકના એક છે અને બે મિત્રો પૈકી એકના એક માસ પહેલાં જ લગ્ન થયા છે.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલ મકાન નંબર-284 સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઈ વાઘેલા (ઉં.વ.26) અને સંતોષીનગરમાં જ રહેતો દિપક અવધેશભાઇ કુશ્વાહા (ઉં.વ.27) ગુરૂવારે સવારે 11 વાગ્યાના સુમારે ઘરેથી બાઇક ઉપર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયા હતા. ઘરેથી બાઇક ઉપર નીકળેલા ધર્મેશ વાઘેલા અને દિપક કુશ્વાહાએ લાંછનપુરા ગામથી મહી નદી પહોંચવા માટે આવતા કાચા રસ્તા પર ચાલુ બાઇકે વીડિયો ઉતાર્યો હતો. જેમાં દિપક કુશ્વાહા બોલી રહ્યો છે કે, રસ્તા દેખ કે મેરા ગાંવ યાદ આ રહા હૈ.. મેરા ગાંવ મેરા દેશ. મહી નદીએ પહોંચ્યા બાદ બંનેએ નદી કિનારે પોતાના મોબાઇલ ફોન અને કપડાં કિનારે મૂકીને નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન બંને મિત્રો ઘસમસતા પાણીમાં તણાઇ જતાં લાપતા થયા હતા.


પરિવારજનોમાંથી મળેલી માહિતી પ્રમાણે દિપક કુશ્વાહાના ગત 4 ફેબ્રુઆરી, 2024ના રોજ લગ્ન થયા હતા. ધર્મેશ વાઘેલા છેલ્લા 7-8 માસથી નોકરી ન હોવાથી ઘરે હતો. છૂટકમાં ઓટો રિક્સા ચાલવતા હતો. બંને પરિવારના એકના એક સંતાન છે. બંને મિત્રો સવારે 11 વાગ્યાના સુમારે ઘરમાં કોઇને જાણ કર્યા વગર નીકળ્યા હતા. મહી નદીમાં લાપતા થયેલા બે મિત્રો પૈકી ધર્મેશ વાઘેલાના પિતા રણછોડભાઇએ જણાવ્યું હતું કે, બંને મિત્રોના સંયુક્ત મિત્રએ તેઓને ફોન કર્યો હતો. તે સમયે સાવલી પોલીસે ફોન રિસીવ કર્યો હતો. 


સાવલી પોલીસે ફોન કરનારને જણાવ્યું હતું કે, લાંછનપુરા ગામેથી પસાર થતી મહી નદીમાં બે મિત્રો લાપતા થયા છે. તેમના કપડાં અને ફોન અમારી પાસે છે. તેઓના પરિવારજનોને મેસેજ આપો અને નદી ઉપર મોકલો. ફોન કરનાર મિત્રએ તુરંત જ ધર્મેશ અને દિપકના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો લાંછનપુરા મહી નદી કિનારે પહોંચ્યા હતા.

Share :

Leave a Comments