વડોદરામાં ડમ્પર ચાલકે રિવર્સ લેતાં બે યુવાનો ઊંઘમાં જ કચડાયા, પછી માટી નાખી જતું રહ્યું, બંનેના મોત

મૂળ મધ્યપ્રદેશના બે શ્રમજીવીઓ કપુરાઇ સ્થિત નવી બંધાતી સાઇટ પર કામ કરતા હતા

MailVadodara.com - Two-youths-crushed-in-sleep-as-dumper-driver-reverses-in-Vadodara-then-mudslides-both-killed

- બંને યુવાનોના મૃતદેહ માટીના ઢગલાં નીચેથી મળી આવતા ચકચાર, વરણામા પોલીસે માટી ઠાલવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

વડોદરા શહેર નજીક કપુરાઈ પાસે નિર્માણ પામી રહેલી નવી સાઇટ ઉપર રવિવારે રાત્રે બનેલી એક ચોંકાવનારી અને ગોઝારી ઘટનામાં બે શ્રમજીવી યુવાનોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ગરમીથી બચવા માટે બંને યુવાનો નિર્માણાધીન સાઇટ નજીક ખુલ્લામાં મીઠી નિંદર માણી રહ્યા હતા. ત્યારે માટી ઠાલવવા માટે આવેલા ડમ્પરો પૈકી એક ડમ્પરે રિવર્સમાં લેતાં બંને યુવાનો ઊંઘમાં જ કચડાયા જતાં બંને યુવાનો મોતને ભેટ્યા હતા. બંને યુવાનોના મૃતદેહ માટીના ઢગલાં નીચેથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. વરણામા પોલીસે બનાવ સંદર્ભે બંનેની લાશ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી માટી ઠાલવનાર ડમ્પરચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વરણામા પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના માંડલતા ગામે રહેતા કેટલાંક શ્રમજીવીઓ વડોદરા શહેરના કપુરાઇ નજીક નિર્માણ પામી રહેલી ઓમ બંગ્લોઝની પાછળ આવેલી શિવાંસ બંગલોની સાઇટ ઉપર કડીયા કામ સહિતની મજૂરી કરતા હતા. મધ્યપ્રદેશના લગભગ આઠથી દસ જેટલા એક જ પરિવારના અને સગાસંબંધી યુવાનો નજીકમાં ઝૂંપડા બાંધી રહેતા હતા. જોકે, બે યુવાનો ગરમી હોવાના કારણે નજીકમાં ખુલ્લામાં સુઇ ગયા હતા. નારૂભાઇ સુરતાનભાઇ ભાભોર (ઉ.વ.19) અને અલ્કેશ બાબુભાઇ કટારા (ઉ.વ. 19) બંને ખુલ્લામાં સુતા હોઇ રાત્રીના સમયે પણ સાઇટ ખાતે માટીના ડમ્પરોની અવરજવર ચાલુ હતી.

આ દરમિયાનમાં એક ડમ્પર ચાલક દ્વારા ડમ્પર રિવર્સ લેતાં યુવાનો કચડાયા હતાં. તે બાદ બંને યુવાનો ઉપર માટીનું ડમ્પર ખાલી કરી દેવામાં આવતા બંને માટી નીચે દબાઇ જતા મોતને ભેટ્યા હતા. બીજા દિવસે સવારે સાઇટ પરના શ્રમજીવીઓ જાગ્યા ત્યારે નારૂ તથા અલ્કેશ દેખાયા ન હતા. આ દરમિયાન મૃતક નારૂભાઈ ભાભોરના ભાઇ કમલ ભાભોર દ્વારા પોતાના ભાઈની શોધખોળ કરવા છતાં બંને યુવાનો મળી આવ્યા ના હતા. સાઇટના બિલ્ડર સહિત તમામ લોકો દ્વારા યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેઓને શંકા થઇ હતી કે, બંને માટીના ઢગલા નીચે દબાઇ ગયા હશે. જેથી, શ્રમજીવીઓએ ભેગા થઇને  પાવડા વડે માટીના ઢગલા હટાવવાનું શરૂ કરતાં  અંતે એક ઢગલા નીચેથી બંને યુવાનોના મૃતદેહ હાથ લાગ્યા હતા. જેમાં મૃતક નારૂ ભાભોરને માથાના ભાગે, પેટ પર, છાતી  પર ગંભીર ઇજા થઇ હતી. તેનું માથું દબાઇ ગયું હતું. તેમજ આંતરડા  પણ બહાર નીકળી ગયા હતા. જ્યારે મૃતક અલ્કેશ કટારાનું માથું જ ફાટી ગયું હતું. તેમજ તેના જમણા હાથ અને પગે ઇજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે વરણામા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી. લાંબરિયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશોનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કમલ ભાભોરની ફરિયાદના આધારે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments