- એક મહિલાને 9 કિમી દૂરથી સ્થાનિક માછીમારોએ બચાવી લીધી, જ્યારે બીજી મહિલાની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે
વડોદરા નજીકથી પસાર થતી મહિસાગર નદીના ફાજલપુર બ્રિજ ઉપરથી બે મહિલાએ મોતનો ભૂસકો મારતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગેની જાણ પસાર થઈ રહેલા એક વિદ્યાર્થીએ વડોદરા ફાયર બ્રિગેડને કરતા ફાયરના જવાનો દોડી આવ્યા છે. બે કાંઠે વહી રહેલી મહિ નદીમાં લાપત્તા બે મહિલાની શોધખોળ શરૂ કરી છે. જેમાં એક મહિલાને 9 કિમી દૂરથી સ્થાનિક માછીમારોએ બચાવી લીધી છે. જ્યારે બીજી મહિલાની શોધખોળ ચાલુ છે.
મળેલી માહિતી પ્રમાણે આજે સવારે વડોદરાથી વાસદને જોડતા મહિ નદી ઉપરના ફાજલપુર બ્રિજ ઉપરથી એક પછી એક બે મહિલાએ મોતનો ભૂસકો માર્યો હતો. બંને મહિલાએ બ્રિજ ઉપર પોતાના ચપ્પલ કાઢીને બે કાંઠે વહી રહેલી નદીના ધસમસતા પાણીમાં ભૂસકો માર્યો હતો.
રણોલી ગામનો રહેવાસી અને અભ્યાસ કરતો વિદ્યાર્થી વાસદ જઈ રહ્યો હતો. તે વિદ્યાર્થીએ આ દૃશ્યો જોતા તુરંત જ તેણે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ રબર બોટ સહિતની સામગ્રી સાથે નદીમાં લાપત્તા મહિલાઓને શોધવા માટે પહોંચી ગયા હતા. જોકે, મહિ નદીમાં આવેલા પૂરના કારણે આજે પણ નદી બે કાંઠે વહી રહી હોય જવાનોને મહિ નદીના ધસમસતા પાણીમાં લાપત્તા એક મહિલાને શોધવી મુશ્કેલ બન્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે આ બનાવની વાત પ્રસરી જતા ફાજલપુર ગામના લોકો બ્રિજ ઉપર ઉમટી પડ્યા હતા. બીજી બાજુ પોલીસને જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. મહી નદીમાં ભૂસકો મારનાર બે મહિલામાંથી એકને બચાવાઈ છે તો બીજી મહિલાનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં એક યુવાને ઘુઘવાટા મારતા મહિ નદીમાં સ્ટન્ટ કરવા ભૂસકો માર્યો હતો. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પરંતુ, હકિકતમાં બે મહિલાએ મોતનો ભૂસકો માર્યો હતો. જેની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે.