- આજવા રોડ પર પોલીસને જોઇ ભાગવા જતાં બંનેને ઝડપી પાડી ક્રાઇમ બ્રાંચે સોનાની ચેઇન, બાઇક, મોબાઇલ સહિત 92 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયેલા 2 આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. બંને આરોપી પોલીસને જોઇને ભાગતા જતા, પરંતુ પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે અને બંને પાસેથી સોનાની ચેઇન, બાઇક અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને ગોરવા પોલીસને સોંપ્યા છે.
વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા મયુરપાર્કમાં રહેતા સિનિયર સિટીઝન મહિસા હિરાબેન મોરે (ઉં.વ.62)એ 8 એપ્રિલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે હું અને મારા ભાભી વૈકુંઠધામ ખાતે બેસણામાં ગયા હતા અને બેસણુ પતાવી અમે ઘરે પરત ચાલતા જતા હતા. તે વખતે સાંજે 4.30 વાગ્યાના સુમારે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે પહોંચ્યા, તે સમયે અચાનક પાછળથી બાઇક આવતી હોય તેવો અવાજ આવ્યો હતો અને તેણે મારા ગળામાં પહેરેલી સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. મને ધક્કો મારી રોડ પર પાડી દીધી હતી.
બંને શખ્સો ભાગવા જતા મારા ભાભી સુશિલાબેને તેઓને જોયા હતા, બે માણસો બાઇક પર હતા. જેમાંથી પાછળ બેસેલા માણસે મારી સોનાની ચેઇન આંચકી લીધી હતી. મેં બુમાબુમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. હું નીચે પડી જતા કોણીના ભાગે સામાન્ય ઇજા થઈ હતી. મારી સોનાની ચેઇન લૂંટી જતા મેં આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પીઆઇ આ.જી. જાડેજા અને પીઆઇ એચ.ડી. તુવરની સૂચનાથી વડોદરા ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી હતી.
આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, ચેઇન સ્નેચિંગમાં વપરાયેલી બાઇક દત્તનગર, આજવા રોડ પર જોવા મળી છે. જેથી પોલીસ ત્યાં પહોંચી અને પોલીસને જોઇને બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપી નાનકસિંગ મહેન્દ્રસિંગ સરદરા સિકલીગર, (ઉં.વ.40, રહે. દત્તનગર, આજવા રોડ, વડોદરા, મૂળ રહે. ઇન્દોર મધ્યપ્રદેશ) અને સતનામસિંગ ઉર્ફે કાલુ ગુરમીતસિંગ તીલપીતીયા સિકલીગર, (ઉ.વ.25, રહે. દત્તનગર, આજવા રોડ, વડોદરા)ને ઝડપી પાડયા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓની સાથે સોનાની ચેઇન સહિત કુલ 92 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓ એકલ દોકલ મહિલાઓની રેકી કરતા હતા. મહિલાઓએ જો સોનાની ચેઇન પહેરી હોય તો આર્થિક ફાયદા માટે મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવીને બાઇક પર ભાગી જતા હતા. બંને આરોપીઓ તેમની અને બાઇકની ઓળખ ન થાય તે માટે મોઢા પર રૂમાલ બાંધી દેતા હતા અને બાઇક પરનો નંબર કાઢી નાખતા હતા.