- ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મુંબઇનો વોન્ટેડ ડ્રગ્સ સપ્લાયર અને તેના સાગરીતને વડોદરા એસઓજી પોલીસે ઝડપી પાડ્યા
અગાઉ વડોદરા શહેરના મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાંથી 11 લાખ રૂપિયાની કિંમતના 110.92 ગ્રામ MD ડ્રગ્સના કેસમાં 2 વોન્ટેડ આરોપી મુંબઈમાં 2 કરોડના MD ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા SOG પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ મુંબઈથી કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉ વડોદરા શહેર એસઓજી દ્વારા કારેલીબાગ મચ્છીપીઠ, નવાબવાડા વિસ્તારમાં રેડ કરતાં 110.92 ગ્રામ MD ડ્રગ્સ તથા અન્ય મુદામાલ મળી કુલ કિં. 12,49,800ના મુદામાલ સાથે આરોપી મોહમદકામીલ મોહંમદ કાસીમ શેખ, રેહાના ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનો પઠાણ અને નિગત મોહંમદકામીલ શેખને પકડી પાડી તેઓ વિરૂદ્ધમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવ્યો હતો, જે ગુનાની વધુ તપાસમાં એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈના ડ્રગ્સ સપ્લાયર ફૈઝલ તથા તેના પાર્ટનર સલ્લાઉદ્દીન અલ્લાઉદ્દીન શેખ નામના શખસો પાસેથી ખરીદ કરેલ હોવાની હકિકત બહાર આવી હતી. જેથી આરોપી મોહમદકામીલ મોહંમદકાસીમ શેખને સાથે રાખી મુંબઈ ખાતે તપાસ કરતા આરોપીઓ મળી આવ્યા નહોતા.
વોન્ટેડ આરોપીઓ ઉપર ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે બાજ નજર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વોન્ટેડ આરોપી ડ્રગ્સ સપ્લાયર ફઝલ ઝાફરખાન, રહે. કાપડ ગલી ગીલસાદ હોટલ પાસે માહીમ મુંબઇ, મહારાષ્ટ્ર તથા ડ્રગ્સ ખરીદના નાણા મેળવનાર સલ્લાઉદ્દીન અલાઉદ્દીન શેખ, રહે. ચામુંડા મેડીકલની ગલીની સામે ગ્રાઉંડ ફલોર, નયા નગર, માહીમ મુંબઇ,મહારાષ્ટ્રના હોવાની સયોટ માહીતી મળી હતી, જેના આધારે વડોદરા શહેર એસ.ઓ.જી. દ્વારા આરોપીઓને પકડવા માટે પ્રયાસો થઈ રહ્યા હતા. તે દરમિયાન એન.સી.બી. (નાર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરો) મુંબઇ દ્વારા ઉપરોકત બંન્ને આરોપીઓને 2 કરોડની કિંમતના આશરે 1.4 કિલોગ્રામના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી નવી મુંબઇ -વાસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. ત્યારબાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં ડ્રગ્સ સપ્લાયર ફઝલ ઝાફરખાન તથા ડ્રગ્સ ખરીદના નાણા મેળવનાર સલ્લાઉદ્દીન અલાઉદ્દીન શેખની ધરપકડ બાકી હોય બંને આરોપીઓ નવી મુંબઇ, જ્યુડીશિયલ કસ્ટડી માંથી ટ્રાન્સફર વોરંટ આધારે મેળવી લાવી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી વડોદરા શહેર કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે આરોપીઓના 5ના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે.