- 252 નંગ ઘડિયાળ તથા 105 નંગ પર્સ સાથે વેપારીઓની અટકાયત કરી
વડોદરા શહેરના કલામંદિરના ખાંચામાં અને ગાંધીનગર ગૃહ નજીક પુમા કંપનીના નામે ડુપ્લીકેટ ઘડિયાળ અને પર્સનું વેચાણ અંગે બે દુકાનોમાં ખાનગી કંપનીએ સીટી પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. અને 252 નંગ ઘડિયાળ તથા 105 નંગ પર્સ સાથે વેપારીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, હરિયાણા ખાતેની કંપની પુમા કંપનીના કોપીરાઇટના હકોના રક્ષણનું કામ કરે છે. તેમને ચોક્કસ માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે, વડોદરા શહેરના કલામંદિરના ખાંચા પાસેના સીટી પોઇન્ટની શ્રી ગણેશ ટાઈમ નામની દુકાનમાં પુમા કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળા પેકિંગમાં ઘડિયાળોનું વેચાણ થાય છે. જેથી તેઓએ સીટી પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અને દુકાન સંચાલક સતીશ અશોકકુમાર બુલચંદાણી (રહે- એકદંત વ્યુહ સોસાયટી, ખોડીયાર નગર)ને ઝડપી પાડી પુમા કંપનીની ડુપ્લીકેટ રૂપિયા 25,200ની કિંમતની 252 નંગ ઘડિયાળ કબજે કરી હતી.
જ્યારે ગાંધીનગર ગૃહ ખાતેની ગાયત્રી પ્લાઝામાં સાંઈ ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડો પાડી દુકાન સંચાલક હિતેશ રમેશભાઈ બનાની (રહે - સ્વાદ કવોટર્સ, હરણી રોડ)ને ઝડપી પાડી દુકાનમાંથી પુમા કંપનીના માર્કાવાળા ડુપ્લીકેટ રૂપિયા 10,500ની કિંમતના 105 નંગ પર્સ મળી આવ્યા હતા. ફરિયાદના આધારે સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ એકટ ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.