- પીસીબી પોલીસે ખોડીયાર નગર પાસે આવેલ ભાથુજી નગરમાં રહેતા ચંદનસિંહ દયાશંકર રાજપુતને અને ડભોઇ રોડ પર આવેલી બાબુભાઈની ચાલ પાસે રહેતા સંદીપ ઊર્ફે પુઢ્ઢો રાજુભાઇ રાજપુતની અટકાયત કરી
શહેર પીસીબી પોલીસે ઘરફોડ ચોરી, ધાડ તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ તેમજ ભુજ ખાતેની જેલમાં મોકલી આપ્યા હતા.
શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરના માથાભારે ઈસમો દ્વારા આવનારા ધાર્મિક તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવન બને તે માટે સતત મોનિટરિંગ કરીને આવા ગુનેગારો વિરુદ્ધ હદ પારી એટલે કે પાસાના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. આ સુચના મુજબ શહેર પીસીબીએ બે માથાભારે ઇસમોની અટકાયત કરી પાસાની કામગીરી કરી છે. પહેલા આરોપી અંગે વાત કરીએ તો ખોડીયાર નગર પાસે આવેલ ડી માર્ટ નજીક આવેલ ભાથુજી નગરમાં રહેતો ચંદનસિંહ દયાશંકર રાજપુતે ખોડીયારનગર પાંજરાપોળ પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવા ગયા બાદ એક્ વ્યક્તિ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.
આ ઝઘડા દરમિયાન પંપના કર્મચારીઓએ મધ્યસ્થી કરીને ગાળો નહીં બોલવાની વાત કરતા માથાભારે ચંદને તેના 20 થી 25 જેટલા માણસોને બોલાવીને તલવાર અને પ્લાસ્ટિકના પાઇપો સાથે મારામારી કરી હતી અને પેટ્રોલ પંપના વકરાના 80,000થી 90,000ની લૂંટ ચલાવી હતી. આ મારા મારી દરમિયાન ફરિયાદીના ગળામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. સાથે સાથે પેટ્રોલ પંપ પર પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું એવી ફરિયાદ હરણી પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. આ ઇસમ વિરુદ્ધ ગોરવા પોલીસ મથકે પણ મકાનમાંથી 50 હજારની ઘરફોડ ચોરી અને મકાન બહાર પાર્ક કરેલ ફોર વેહિકલની ઉઠાંતરી કરી હતી. ગોરવા પોલીસે ફોર વહીલ કાર કિંમત 45000 મળીને કુલ 95000ની ચોરી કર્યાનો ગુનો નોંધ્યો હતો. સદર ઇસમ માટે ચોરી કરીને ગુનાખોરી આચરતો હોવાની માહિતી સામે આવી છે.
શહેરમાં કાયદો વ્યવસ્થાની જાળવણીમાં બાંધકરૂપ નિવડતાં આ ઇસમ ચંદનસિંગ રાજપૂતને પાસા વોરંટની બજવણી કરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આ સાથે મકરપુરમાં બે, પાણીગેટમાં ત્રણ, વાડીમાં બે, ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે એક અને પાદરા પોલીસ મથકે એક મળીને કુલ નવ જેટલા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા સંદીપ ઊર્ફે પુઢ્ઢો રાજુભાઇ રાજપૂત રહેવાસી બાબુભાઈની ચાલ, યમુના મિલ પાસે ડભોઇ રોડની પણ પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.