- CCTV ફૂટેજમાં બે તસ્કરો બંધ મકાનમાં ચોરી કરવા માટે મોટરસાઇકલ લઇને આવ્યા હોવાનું જણાયું, પોલીસે કેટલાક શકમંદોની પૂછપરછ કરી
શહેરના તાંદલજા વિસ્તારમાં છોટાઉદેપુર ગયેલા પરિવારના બંધ બંગલાના તાળાં તોડી રૂપિયા 8.91 લાખની ચોરીનાં બનેલા બનાવમાં જે.પી. પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજમાં બે તસ્કરો બંધ મકાનમાં ચોરી કરવા માટે મોટરસાઇકલ લઇને આવ્યા હોવાનું જણાય છે.
આ બનાવની વિગત એવી છે કે, નસીમબાનુ ઇલ્યાસ ટુનીયા (રે.આશીયાના બંગલો, સનફાર્મા કંપનીની બાજુમાં, તાંદલજા) પરિવાર સાથે રહે છે. 22મી ઓગસ્ટનાં રોજ સાંજે પરિવાર છોટાઉદેપુર ખાતે સંબંધીને ત્યાં ગયો હતો. આ દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેમના બંધ મકાનનાં દરવાજાનું લોક તોડી ઘરમાં ઘૂસ્યા હતા અને મકાનમાંથી રોકડા રૂપિયા 5 લાખ મળી કુલ્લે રૂપિયા 8.91 લાખનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
બીજા દિવસે પરત ફરેલા પરિવારે મકાનનાં દરવાજાનું લોક તૂટેલું જોતા ચોંકી પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બનાવની જાણ જે. પી. રોડ પોલીસ મથકના પી.આઈ. ચૌહાણ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોચી હતી અને ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. તે સાથે પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી.
પોલીસે બંગલાનાં CCTV ચકાસ્યા હતા, જેમાં બે તસ્કરો હોવાનું જાણવા મળ્યું હતું પણ CCTVમાં તેમના ચહેરા નહીં દેખાતા હોવાથી પોલીસ માટે તસ્કરોને ઝડપી પાડવા મુશ્કેલ છે. જોકે, પોલીસે બાતમીદારોની મદદ લઇ તપાસનો દોર શરૂ કર્યો છે. આ બનાવમાં પોલીસે કેટલાંક શકમંદોની પણ પૂછપરછ હાથ ધરી હતી. જોકે, પોલીસને તેમાંથી કોઇ ઠોસ કડી મળી નથી.