- ગુબ્બારાનો જથ્થો મોકલનાર અમદાવાદનો વીપીન નામનો શખ્સ વોન્ટેડ જાહેર
વડોદરા શહેર SOG પોલીસે ઉત્તરાયણ પૂર્વે વેચાણ અર્થે આવેલા ચાઈનીઝ લેન્ટર્નનો કબ્જે લઈને બે યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાયણ દરમિયાન આકસ્માતો ટાળવા માટે ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાંય બેધડક રીતે દર વર્ષે તેનું વેચાણ થતું આવ્યું છે. પોલીસ જ્યારે જ્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ પર કડક કાર્યવાહી કરે એટલે તકની રાહ જોઇને બેઠેલા કાળાબજારીયાઓ બેફામ કિંમત વસૂલીને તેનું વેચાણ કરે છે. જેને લઈને ઉત્તરાયણમાં છુપી રીતે ગુબ્બારા વેચવાની તગડો નફો કમાઈ લેવાનું ચલણ પણ વધ્યું છે.
ઉત્તરાયણને એક મહિનાનો સમય બાકી છે ત્યાં તો વડોદરા SOG પોલીસે આવા પ્રતિબંધિત સામગ્રી વેચાણ તેમજ સંગ્રહ કરનારા સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે પોલીસને બાતમી મળી હતી કે, માંજલપુર ઇવા મોલ પાસેના રીક્ષા સ્ટેન્ડ નજીક જયુપીટર મોપેડ પર બે યુવકો પ્રતિબંધિત લેન્ટર્ન (ગુબ્બારા)નો જથ્થો લઈને ઉભા છે. જે માહિતીના આધારે સ્થળ પર જઈને બંને યુવકોને ઝડપી પાડીને તેઓ પાસેથી 25 હજારની કિંમતના 1000 નંગ ગુબ્બારા, બે મોબાઈલ ફોન અને જયુપીટર મોપેડ કબ્જે લઈને કુલ 90 હજારનો મુદામાલ જપ્ત કરી કેયુર રતનસિંહ પઢીયાર તેમજ આશિષ પંચાલ બંને રહે. ગણેશનગર, ગાજરાવાડી પાણીનો ટાંકી પાસે, વડોદરાની ધરપકડ કરીને ગુબ્બારાનો જથ્થો મોકલનાર અમદાવાદના વીપીન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.