- બેગમાંથી ગંધ આવતા ડોગ ભસવા લાગ્યાં હતા
- બેગમાંથી 8.070 કિગ્રા જેની કિંમત રૂા.80,700નો બિનવારસી હાલતમાં મળ્યો
- બેગના માલિકની શોધખોળ શરૂ
વડોદરા શહેર રેલવે પોલીસ અને રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અવારનવાર રેલવેમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગતરોજ (5 એપ્રલ) કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનની ચેકિંગ દરમિયાન બિનવારસી ગાંજો NDPSના બે ડોગની મદદથી ઝડપી લેવામાં આવ્યો છે. તેમાંથી એક બેગમાંથી 8.070 કિગ્રા જેની કિંમત રૂપિયા 80,700નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા રેલવે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જે. ઝેડ. વસાવા અને ટીમ દ્વારા અવારનવાર આવતી ટ્રેનો સને પ્લેટફોમ પર ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગત રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતી-જતી ટ્રેનો તેમજ પ્લેટફોર્મ ઉપર ચેકિંગ કરતા હતા. દરમિયાન પ્લે.નં.4 ઉપર ટ્રેન નંબર 12755 કાકીનાડા-ભાવનગર એક્સ ટ્રેન આવી ઉભી રહેતા તેના રિઝર્વેશન તેમજ જનરલ કોચો ચેકિંગ દરમિયાન આગળથી બીજા નંબરના જનરલ ડબ્બાના પાછળના ભાગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન બંને ડોગ મારફતે ચેકિંગ સમયે કોરીડોરમાં સંડાસની બાજુમાં એક પિસ્તા કલરની ટ્રોલીબેગ જેના ઉપર ARISTOCRAT લખેલ બિનવારસી શંકાસ્પદ હાલતમાં પડી હતી. જેને બંને ડોગ વડે એન.ડી.પી.એસ. અંગે વેરીફાઇ કરતા બંને ડોગ ભસવા લાગ્યાં હતા. ત્યારે ડોગ હેન્ડલરોના જણાવ્યા મુજબ, ડોગ ટ્રોલીબેગમાં માદક પદાર્થ હોવાના સંકેત આપતા હોવાથી ટ્રોલીબેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને પૂછપરછ કરતાં કોઇ માલિક મળી આવ્યો ન હતો.
આ અંગે વડોદરા રેલવે પોલીસ સ્ટેશન લાવીને આ અંગેની એન.ડી.પી.એસ. એકટ હેઠળની કાર્યવાહી કરતા એન.ડી.પી.એસ.એકટ હેઠળની કાર્યવાહી કરતા કુલ 8.070 કિ.ગ્રા. ગાંજો કુલ કિંમત રૂ.80,700 જપ્ત કરી આ સપ્લાયરને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે.