વડોદરાના છાણી વસુંધરા સોસાયટીમાંથી 2.90 લાખના હેરોઇન સાથે બે વ્યક્તિઓની ધરપકડ

પકડાયેલા આરોપીઓ 8 દિવસ પહેલા જ મકાનમાં ભાડે રહેવા આવ્યા હતા

MailVadodara.com - Two-persons-arrested-with-heroin-worth-2-90-lakhs-from-Chhani-Vasundhara-Society-in-Vadodara

- છાણી ટીપી-13માં આવેલી વસુંધરા ટેનામેન્ટમાં પોલીસનો કાફલો જોઈ રહીશો ચોંકી ઉઠ્યા

- બંને આરોપી મૂળ પંજાબના વતની, પૂછપરછમાં અન્ય વિગતો બહાર આવશે


શહેરના ટીપી- 13 છાણીમાં આવેલી E 28, વસુંધરા ટેનામેન્ટમાં શહેર SOG પોલીસે દરોડો પાડીને અંદાજે રૂપિયા 2,90,250ની કિંમતના 58.05 ગ્રામ હેરોઇન સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 3,46,150 રોકડ તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દરોડો પાડતા સોસાયટીમાં ચકચાર મચી ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે શહેરના ટીપી -13 છાણીમાં આવેલી E 27, વસુંધરા ટેનામેન્ટમાં 8 દિવસ પહેલાં મિનાક્શીબેન મકવાણાનું ભાડાનું મકાન રાખીને રહેતા સંદીપ ઉર્ફ સોનુ બલવિન્દરસીગ રંધાવા અને જતીન્દરસીંગ ઉર્ફ હેપ્પી મેહરસીગ મટ્ટુ ડ્રગ્સ લાવીને વેચી રહ્યા હોવાની શહેર SOG પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે SOG પોલીસે દરોડો પાડ્યો હતો. અને ઘરમાંથી 58.05 ગ્રામ જેટલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી બંનેની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની અંગજડતી કરતાં રૂપિયા 3,46,150 રોકડ મળી આવી હતી.


પોલીસે આ નશીલો પદાર્થ હેરોઇન ડ્રગ્સ છે કે, કેમ તે જાણવા માટે FSLની પણ મદદ લીધી હતી. જાણવા મળ્યા મુજબ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડેલા સંદીપ રંધાવા અને જતીન્દરસીંગ મટ્ટુ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા છે અને તેઓ જામીન ઉપર હાલ મુક્ત હોય પુન: તેઓએ ભાડાનું મકાન રાખીને ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાની વિગતો મળી રહી છે. બંને આરોપીઓની પૂછપરછમાં હજુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ફતેગંજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

છાણી ટીપી -13 વિસ્તારમાં આવેલી વસુંધરા ટેનામેન્ટમાં આજે પોલીસે દરોડો પાડતા સોસાયટીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસનો કાફલો જોઈને સોસાયટીના રહીશો પણ ચોંકી ઉઠ્યા હતા. જે ઘરમાંથી નશીલો પદાર્થ મળી આવ્યો છે તે ઘરને પોલીસે હાલ સીલ કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Share :

Leave a Comments