- વડોદરા એસઓજી પોલીસે 13.870 કિલો ગાંજો જેની કિંમત 1,38,700 રૂપિયા, એક એક્ટિવા, મોબાઈલ સહિત કુલ રૂપિયા 1,86,400નો મુદ્દામાલ કબ્જે કર્યો
વડોદરા શહેર એસઓજી દ્વારા અગાઉ એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાયેલો આરોપી અને એક અન્ય ઇસમને ગોરવા કરોડિયાથી નવાયાર્ડ તરફ જતા રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના 13 કિલો 870 ગ્રામના જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી છે. આ ઈસમો પૈકી એક ઇસમ અગાઉ એનડીપીએસના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ડામવા અને નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત તેમજ એ.ટી.એસ યાર્ટરના નાર્કોટીક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અને વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે કાર્યવાહીના ભાગ રૂપે એસ.ઓ.જી. પીઆઈ વિ.એસ.પટેલની ટીમ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે.
આ દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે, સુભાનપુરા હાઉસિંગ વુડાનામાં રહેતો કપીલ અગ્રવાલ જે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં પકડાયેલો હતો. તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે. જે હકીકત આધારે એસ.ઓ.જી.ની ટીમ છેલ્લા એક માસથી સતત ટેક્નિકલ અને હ્યુમન સોર્સથી તેના પર વોચ રાખી રહી હતી. જોકે ચોક્કસ બાતમીના આધારે કપીલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા લઈને ગોરવા ગોરખનાથ મંદીરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા ઉપર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ નામના ઇસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જવાનો છે. જેના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં આરોપી કપીલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમખાન ચૌહાણ ગરાસીયા (બંને રહે. ગોરવા)ના એક્ટિવામાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટે/લાયસન્સે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાઇ ગયા હતા. આ બંને આરોપીઓ સામે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કપીલ કનૈયાલાલ અગ્રવાલ (રહે. મકાન નં. 414, જય ગણેશ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં આનંદવન કોમ્પ્લેક્સની પાછળ સુભાનપુરા, ગોરવા, વડોદરા શહેર) અને વસીમ આઝમખાન ચૌહાણ (ગરાસીયા) (રહે. મકાન નં. 104, જૈનબપાર્ક એપાર્ટમેન્ટ, આમ્રપાલી સોસાયટી પાછળ, ગોરખનાથ મંદીર રોડ, ગોરવા, વડોદરા શહેર)ને ઝડપી આરોપી કપિલ ગોરવા પોલીસ મથકમાં જુગાર અને NDPSના ગુનામાં પકડાયેલો છે. આ ઈસમો પાસેથી માદક પદાર્થ ગાંજો વજન 13.870 કિલો ગ્રામ જેની કિંમત રૂપિયા 1 લાખ 38 હજાર 700, એક્ટિવા, મોબાઈલ સહિત કુલ રૂપિયા 1 લાખ 86 હજાર 400ના મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.