- બાંધકામના સાઇટ પરથી સેન્ટિંગ પ્લેટોની ચોરી કરનાર અને ચોરી કરેલ પ્લેટો રાખનાર બંને શખસોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા
વડોદરા શહેરના હરણી રોડ ખાતેની અભય આનંદ સોસાયટી ખાતે ચાલી રહેલ બાંધકામના સાઇટ પરથી 121 સેન્ટિંગ પ્લેટોની ચોરી કરનાર અને ચોરી કરેલ પ્લેટો રાખનાર શખસને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે ઓટો રીક્ષામાં ચોરીની શંકાસ્પદ સેન્ટિંગની પ્લેટો નંગ-15 સાથે રવિરાજસિંહ અજીતસિંહ વાઘેલા (ઉ.34), (રહે. રાધાનગર સ્વાતિ પ્રજાપતિ ભવન પાસે સમા રોડ, વડોદરા)ને દેણા ચોકડી પાસેથી પકડી પાડયો હતો અને આ શખસ પાસેની ઓટોરીક્ષામાં રાખેલ સેન્ટિંગની પ્લેટો બાબતે કોઇ આધાર-પુરાવો ન હોવાથી શખસની સઘન પુછપરછ કરી હતી.
આ દરમિયાન શખસે આ સેન્ટિંગની પ્લેટો તેને પોતે હરણી વિસ્તારમાં અભયઆનંદ સોસાયટી ખાતે ચાલી રહેલ કંટ્રકશનની સાઇટ પરથી ચોરી કરી લાવેલાની હકીકત જણાવી હતી, જેથી આ અંગે ખાત્રી તપાસ કરતાં આ સાઇટ પરથી પંદર દિવસ દરમિયાન સદર શખસ દ્વારા કુલ 121 જેટલી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરેલાની અને આ ચોરી કરેલ તમામ પ્લેટો દુમાડ ચોકડી પાસે ભગારનો ધંધો કરતા ઇર્શાદભાઇ નામના વ્યક્તિને આપેલાનું જણાવ્યું હતું.
જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરત જ આ દુમાડ ચોકડી પાસેની ભંગારની દુકાને જતા શખસ નામે ઇર્શાદ બશીરઅહેમદ મન્સુરી (ઉ.45, રહે.દુમાડ ચોકડી પાસે ભંગારની દુકાનમાં વડોદરા મુળ રહે.બરેલી ઉત્તરપ્રદેશ)નો હાજર મળતા તેની પુછપરછમાં તેને પોતે 100થી વધુ ચોરીની સેન્ટિંગની પ્લેટો લીધેલાનું જણાવ્યું હતું અને તેની દુકાનમાંથી ચોરીની લીધેલી સેન્ટિંગની પ્લેટો મળી આવી હતી. આ બન્ને શખસો પાસેથી 84,600ની સેન્ટિંગની 121 પ્લેટો અને ઓટોરીક્ષાને કબજે કરી હતી અને આ બન્ને શખસો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.