- બે યુવકો પૈસાની લેતીદેતીમાં બાખડ્યા, પોલીસે પહોંચી બંનેને પાઠ ભણાવ્યો
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો મારામારીનો વીડિયો વાઈરલ થયો છે. ગોરવા આઇટીઆઇ પાસે આવેલા પ્યાસા પાન પાર્લર પાસે બે યુવકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. જેને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થયા હતા અને ગોરવા પોલીસ પણ દોડી ગઈ હતી. આ ઘટનાને લઇને પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો હતો.
ગોરવા પોલીસ સ્ટેશનના બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અશોક હેમુભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને બીન હથિયારધારી હેડ કોન્સ્ટેબલ નરેનસિંહ કેસરીસિંહ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા સાંજના 7:45 વાગ્યે ગોરવા આઇ.ટી.આઇ. ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. આ સમયે જાહેર રોડ પર આવતા ત્યાં લોકોનું ટોળુ ભેગુ થયું હતું અને બે શખસો એક બીજા સાથે ઝપાઝપી કરીને છૂટા હાથની મારામારી કરતા હતા. જેથી અમે તુરંત જ તેઓને પકડી પાડ્યા હતા.
આરોપી સોહિલ યશવંતસિંહ રાઠોડ (ઉ.29, રહે. મધુનગર નવરંગ સોસાયટી સામે, ગોરવા વડોદરા), આસિફ રહિમભાઇ ઘોરી (ઉ.32) (રહે. સમશેર નગર મધુનગર પાસે, કરોડીયા રોડ, ગોરવા, વડોદરા)ની સઘન પૂછપરછ કરી હતી. જેમાં સોહિલ યશવંતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આસિફ રહિમભાઇ ઘોરીને ઉછીના પૈસા આપ્યા હતા, તે પરત લેવા માટે આવ્યો હતો, તે વખતે આસિફ રહિમભાઇ ઘોરીએ મારી સાથે ઝઘડો કર્યો હતો.
આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગોરવા પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગોરવા વિસ્તારમાં આ પહેલાં પણ મારામારીની આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે વધુ કાર્યવાહી શરૂ કરી છે.