- નવાપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી
વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સિયાબાગમાં રહેતી મહિલા તેમની દેરાણી સાથે ચાલતા જતા હતા. તે દરમિયાન અછોડા તોડની ઘટના બની હતી. મહિલા કીર્તિસ્તંભથી બગીખાના ત્રણ રસ્તા તરફ જતા સામેથી રોંગ સાઈડ આવેલા બે એક્ટિવા ચાલક સામેથી આવી પાછળ બેસેલ શખસે સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈ નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે સિયાબાગ સ્થિત મંગળદાસ મહોલ્લામાં રહેતા 40 વર્ષીય દક્ષાબેન મહેશભાઈ રાજપૂતે નવાપુરા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તારીખ 21ના રોજ સાંજે હું અને મારા દેરાણી ફ્રુટસલાડ લેવા માટે ઘરેથી કિર્તીસ્તંભ બોમ્બે ફાલુદા દુકાને ચાલતા-ચાલતા ગયા હતા. ત્યાથી ફાલુદા અને આઈસ્ક્રીમ ખરીદી અમારા ઘરે પરત જતા હતા, ત્યારે કીર્તિસ્તંભથી બગીખાના ત્રણ રસ્તા તરફ જતા ભેસાણીયા પોલીસ ચોકીથી આગળ હોટલ પેલેસ પાસે આવતા રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં રોંગ સાઇડથી એક એક્ટિવા ઉપર બે શખસ આવ્યા હતા. જેમાં એક્ટિવાની પાછળ બેસેલા શખસે મારા ગળામાં પહેરેલ સોનાની ચેઈન ખેંચી તોડી લઈ કિર્તીસ્તંભ તરફ બંને ઇસમો એક્ટીવા લઈ ભાગી ગયેલ હતા.
જેથી મેં અને મારી દેરાણીએ બુમાબુમ કરતા હોટલમાંથી માણસો આવી ગયા અને તે હોટલના માણસોએ આ એક્ટિવાનો પીછો કીર્તિસ્તંભ સુધી કર્યો હતો. પરંતુ ટ્રાફિકમાં તે કઈ તરફ જતા રહ્યા તે ખ્યાલ આવ્યો ન હતો. તેઓની શોધખોળ કરી, પરંતુ ન મળતા આખરે આ બાબતે નવાપૂરા પોલીસને જાણ કરી હતી અને મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવવા અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આ ઈસમો કોણ છે અને કઈ દિશામાં ગયા છે, જે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ જ આવી બેથી ત્રણ ઘટનાઓ એક જ દિવસમાં સામે આવી હતી. હવે ચેઇન સ્નેચિંગની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું વડોદરા શહેરમાં જોવા મળ્યું છે. ત્યારે નાગરિકો કેટલા સુરક્ષિત છે તે પોલીસ તંત્ર પર સૌથી મોટો સવાલ છે?