દુમાડ ચોકડી પાસે કારમાં મુસાફરો બેસાડવા બાબતે અમદાવાદના કારચાલકને બે શખ્સોએ દંડા વડે અને ગડદાપાટુનો માર માર્યો

'તું કેમ મારા પહેલા પેસેન્જર બેસાડે છે' કહી ફટકાર્યો, ઘટનાનો વીડિયો વાઇરલ

MailVadodara.com - Two-men-beat-up-a-car-driver-from-Ahmedabad-with-a-stick-and-a-stick-for-letting-passengers

વડોદરા શહેરના દુમાડ ચોકડી પાસે કારમાં મુસાફરો બેસાડવા બાબતે અમદાવાદના કારચાલકને બે શખ્સોએ મળીને દંડા વડે અને ગડદાપાટુનો માર માર્યો હતો. `તું અમદાવાદમાં કેમ મારા પહેલા પેસેન્જર બેસાડે છે', તેમ કહીને દંડો મારતા યુવક નીચે પટકાયો હતો. આ સમયે બે શખ્સોએ એક તરફ અર્ટિંગા કાર અને બીજી તરફ ઈકો કાર મુકીને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો અને આખો રોડ માથે લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને પગલે સમા પોલીસે યુવકની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ફરિયાદીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા સિંધવાય ગામ ભરવાડ વાસમાં રહેતા મુકેશભાઇ જીવાભાઈ ભરવાડ (ઉ.36) તા.26/03/2025ના રોજ સવારના 5.30 વાગ્યે અમદાવાદથી વડોદરા ખાતે વર્ધી લેવા માટે અર્ટીગા કાર લઇને નિકળ્યો હતો અને અમદાવાદના CTM ખાતે પહોંચ્યો હતો. તે દરમિયાન કાર ખાલી હોવાથી અમદાવાદથી વડોદરા જવાવાળા મુસાફરોને બેસાડ્યા હતા. તે વખતે એક અજાણ્યો ઇસમ પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તું કોઇ પેસેંજરને તારી કારમાં બેસાડતો નહીં, અત્યારે પેસેંજર બેસાડવાનો મારો વારો છે. તેમ કહીને મારા સાથે બોલાચાલી કરી હતી. તેમ છતા હું 4 પેસેંજરને બેસાડીને વડોદરા ખાતે આવવા નિકળી ગયો હતો.


સવારના 8.15 વાગ્યે પેસેંજરને અમિતનગર સર્કલ પાસે ઉતર્યા હતા, ત્યારબાદ હું મારી પહેલેથી નક્કી થયેલા વર્ધીના પેસેંજરને બેસાડીને 8.30 વાગ્યે વડોદરાના અમિતનગર ખાતેથી અમદાવાદ જવા માટે નીકળ્યો હતો. તે વખતે સવારના 8.45 વાગ્યે હું દુમાડ ચોકડી પાસે પહોંચ્યો હતો, ત્યારે અમદાવાદ ખાતે મારી સાથે પેસેંજર બેસાડવા બાબતે બોલાચાલી કરનાર ઇસમ વિજય ભરવાડ ઉર્ફે ગધો રસ્તા પર ઉભો હતો અને તેણે મારી કાર રોકાવી હતી. જેથી મેં કાર ઉભી રાખી હતી અને હું નીચે ઉતર્યો હતો.

કારચાલક વિજય ભરવાડે મને કહ્યું હતું કે, તું અમદાવાદમાં કેમ મારા પહેલા પેસેન્જર બેસાડે છે, તેમ કહી મને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. થોડીવારમાં ત્યાં એક ઈસમ ઇક્કો ગાડી લઇને આવ્યો હતો. જેનો ચાલક લાકડાનો દંડો લઈને નીચે ઉતર્યો હતો અને તે દંડા વડે અમદાવાદમાં મારા સાથે બોલાચાલી કરનાર વિજય ભરવાડે મને બન્ને પગના ભાગે માર માર્યો હતો. આ સમયે આજુબાજુમાં લોકો ભેગા થઇ ગયા હતા અને મને છોડાવ્યો હતો, ત્યારબાદ હું બીકના લીધે અમદાવાદ મારા ઘરે જતો રહ્યો હતો અને મારા કૌટુંબિક ભાઇઓને આ બનાવ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ સમા પોલીસ સ્ટેશનમાં વિજય ભરવાડ અને અન્ય ઈકોચાલક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. સમા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના યુવક મુકેશભાઇ જીવાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, આ સમયે ફિલ્મના સિન જેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં અને આ 2 લોકોએ આખો રસ્તો બ્લોક કરી દીધો હતો અને મને માર્યો હતો. કેટલાક લોકો વડોદરા અમદાવાદ વચ્ચે વર્ધી ચલાવવા માટે કારચાલકો પાસેથી 5 હજાર રૂપિયા હપ્તો લે છે અને જો કોઈ હપ્તો ન આપે તો વર્ધી ચલાવવા દેતા નથી. મારી પાસે પણ પૈસા માંગ્યા હતા, પરંતુ મેં પૈસા આપવાની ના પાડી હતી. આ લોકોનો ત્રાસ ખૂબ વધી ગયો છે.

Share :

Leave a Comments