સુરત જવાનો રસ્તો બતાવવા માટે પૈસાની લાલચ આપી મહિલાના સોનાના દાગીના પડાવી બે ભેજાબાજો ફરાર

મહિલાએ બે શખ્સો સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Two-men-absconded-after-stealing-women-gold-jewelery-after-offering-money-to-show-them-the-way-to-Surat

- બન્ને શખસોએ મહિલાને વિશ્વાસમાં લઈને રૂપિયા ૩૦ હજારની કિંમતની બન્ને કાનની સોનાની બુટ્ટી તથા સોનાની હેરો લઈ રફૂચક્કર થઇ ગયા

વડોદરા શહેરમાં મહિલાને સુરત જવાનો રસ્તો બતાવવા માટે પૈસા આપવાની લાલચ આપીને 30,000 રૂપિયાની કિંમતના દાગીના પડાવી લઈને બે ભેજાબાજોએ છેતરપિંડી આચરી છે. મહિલાએ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા ગીતાબેન જાદવે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા ઘરેથી નિકળી અરૂણાચલ રોડ ખાતે કામ કરવા માટે ચાલીને જતી હતી, તે વખતે દશામા ચોકડી પાસે આવતા એક અજાણ્યો શખસ ચાલતા મારી પાસે આવ્યો હતો અને મને સુરત જવાનો રસ્તો પૂછ્યો હતો, જેથી મેં તેને કહ્યું હતું કે, સુરત અહિથી બહુ દૂર છે. તમારે રેલવે સ્ટેશન જઈને ટ્રેનમા જવુ પડશે, તે દરમિયાન એક બીજો શખસ મારી પાસે આવ્યો હતો અને મને કહેવા લાગ્યો હતો કે, આપણે આને સુરત જવાનો રસ્તો બતાવી દઈએ અને તેની પાસે થેલીમાં જે પૈસા છે, તે આપણે બન્નેને આપશે, તે આપણે અડધા અડધા કરી લઈશુ એમ કહીને મને પૈસાની લાલચ આપી વિશ્વાસ આપ્યો હતો.

જેથી હું તેઓ સાથે રિક્ષામાં બેસી દશામા ચોકડીથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા ખાતે ગઈ હતી અને ત્યાંથી ચાલતા ચાલતા સહયોગ પોલીસ ચોકી સુધી અને ત્યાંથી પરત આઈ. ટી. આઈ. ચાર રસ્તા પાસે લાવી મને એક બસની આડમાં લારી પાસે લઈ ગયા હતા અને ત્યાં જઈને મને કહ્યું હતું કે, મારે આ થેલીમાં જે પૈસા છે, એમાંથી મારે અડધા પૈસા નથી જોઈતા. એ તમે રાખી લો અને મને તમારા કાનમાં પહેરેલ બુટ્ટી અને હેરો મને આપી દો તેમ જણાવતા હું વિશ્વાસમાં આવી ગઈ હતી અને મારા બન્ને કાનની સોનાની બુટ્ટી તથા સોનાની હેરો કાઢીને તે શખસને આપી દિધી હતી અને ત્યારબાદ એ બન્ને શખસો ત્યાંથી જતા રહ્યા હતા અને હું મારા ઘર પાસે આવી અમારા ફ્લેટની નિચે આવી ચેક કરતા તે થેલીમાં પૈસાની બદલે નોટબુકના કાગળના કટકા રાખેલા હતા.

જેથી હું તુરંત જ પાછી આઇ.ટી.આઇ. ખાતે ગઈ હતી, તો તે જગ્યા પર તે બન્ને શખસો મળ્યા નહોતા, જેથી મને જાણ થઈ હતી કે, આ બન્ને શખસોએ મને વિશ્વાસમાં લઈને મારી સાથે છેતરપિંડી કરી મારા કાનની બુટ્ટી અને હેરો લઈ ગયો હતો. ત્યારબાદ હું મારા કામ પર પ્રગતિનગર ગઇ હતી અને ત્યાં આ વાત રિયા વાઘેલાને જણાવતા તેને મારી દીકરી આરતીને ફોન કરી આ બાબતે જાણ કરી હતી અને તેની સાથે અત્રે બન્ને અજાણ્યા શખસો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments