રાવપુરામાં આરોગ્ય વિભાગના બે મેડિકલ સ્ટોર પર દરોડા, વિટામીન ટેબ્લેટ-સીરપના નમૂના લીધા

પ્રતિબંધિત મલ્ટી વિટામીન ટેબ્લેટનું વેચાણ થઇ રહ્યું હોવાની માહિતીના આધારે દરોડા

MailVadodara.com - Two-medical-store-raids-by-the-health-department-in-Raopura-samples-of-vitamin-tablet-syrup-were-taken

- પનીરના નમૂના લઇ પાલિકાની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા


વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા આજે રાવપુરા વિસ્તારમાં આવેલા બે મેડિકલ સ્ટોરમાં પ્રતિબંધિત મલ્ટી વિટામીન ટેબ્લેટનું વેચાણ થઇ રહ્યું હોવાની મળેલી માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરમાંથી શંકાસ્પદ મલ્ટી વિટામીન ટેબ્લેટ અને સીરપના નમૂના લીધા હતા. તે સાથે રૂપિયા 3 હજાર ઉપરાંતનો દવાનો જથ્થો સીઝ કર્યો હતો અને મેડિકલ દવાના નમૂના ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા, જ્યારે રેસ્ટોરન્ટોમાંથી પનીરના નમૂના લઇ કોર્પોરેશનની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગને કેટલાક મેડિકલ સ્ટોરો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની અને પ્રતિબંધિત મલ્ટી વિટામિન દવાઓનું વેચાણ કરી રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે આજે આરોગ્ય વિભાગ દ્વારા રાવપુરા વિસ્તારમાં આવેલ નાગરાજ મેડિકલ અને ATC મેડિકલ સ્ટોર તથા આસપાસમાં આવેલી અન્ય મેડિકલ સ્ટોરોમાં દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ મલ્ટી વિટામિન ટેબલેટ અને સીરપના નમૂના લીધા હતા. તમામ નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.


પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે મેડિકલ સ્ટોરમાં દરોડા પાડી ચેકીંગ કરતા મેડિકલ સ્ટોરોના સંચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યું હતું કે, હાલ મલ્ટી વિટામીન ટેબ્લેટ અને સીરપના નમૂના લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. જો નમૂના ફેઈલ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરે જણાવ્યું કે, ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી ફરિયાદ આવી હતી કે, વડોદરાના એક મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા મલ્ટી વિટામીન મેડિસીનનું વેચાણ કરવામાં આવે છે. આ ફરિયાદના આધારે બે સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સમાં તપાસ માટે મોકલી આપ્યા છે. તે સાથે જ મેડિકલ સ્ટોરોમાંથી રૂપિયા 3 હજાર ઉપરાંતનો મેડિકલ દવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ દવાના સેમ્પલોનો તત્કાલ રિપોર્ટ મોકલી આપવા માટે સૂચન કર્યું છે. જો આ મલ્ટી વિટામિન ટેબલેટમાં પ્રતિબંધિત ડ્રગ્સ જણાઇ આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય ટીમ દ્વારા અન્ય મેડિકલ સ્ટોરોમાં પણ તપાસ કરવામાં આવી હતી અને શંકાસ્પદ દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આરોગ્ય શાખાની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા હલકી કક્ષાના પનીરનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાથી પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી પનીર સામે ઝુંબેશ શરૂ કરી છે.


આ ઉપરાંત આજે શહેરના જુના પાદરા રોડ ઉપર આવેલ ખાખી રેસ્ટોરન્ટમાં ચકાસણી કરી હતી અને પનીરના લુઝ અને પેકીંગ પનીરના નમૂના લીધા હતા અને આ નમૂના પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. જો પનીરના નમૂના ફેઈલ થશે તો રેસ્ટોરન્ટ સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હોટલોમાં પણ પનીરનું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નમૂના લેવામાં આવ્યા હતા.

Share :

Leave a Comments