- બુમરાણ થતા ખાડામાં દબાયેલ બે શ્રમજીવી પૈકી એક શ્રમજીવીને સમય સૂચકતા વાપરી લોકટોળાએ સહી-સલામત રીતે બહાર કાઢ્યો
વડોદરાના પાદરા તાલુકાના મુવાલ ગામ પાસે ગેસ બેલ્જિયમ કંપનીની ગેસ લાઇન માટે ચાલતી ખોદકામની કામગીરીમાં ખાડામાં ઉતરેલા બે શ્રમજીવી પૈકી એક શ્રમજીવીનું રોડ પર પડેલી માટી ઘસી પડતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બુમરાણ થતા ખાડામાં દબાયેલ બે શ્રમજીવી પૈકી એક શ્રમજીવીને સમય સૂચકતા વાપરી લોકટોળાએ સહી-સલામત બહાર આવવા મદદ કરતા સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. વડુ પોલીસે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામ પાસે આવેલી ખાનગી કંપની બેલ્જિયમ કંપનીના ગેસ લાઇનનું કામકાજ મુવાલ પાસે ચાલી રહ્યું હતું. જે કરવા માટે બે શ્રમિકો ખાડામાં ઉતર્યા હતા. દરમિયાન પાસેની માટી અચાનક ઘસી પડતા બે પૈકી એક શ્રમિકનું દટાઈ જવાના કારણે ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બુમાબુમ થતા લોક ટોળા ભેગા થઈ જતા સમય સૂચકતાથી ખાડામાં ઉતરેલા એક શ્રમિકને સહી સલામત બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પાદરાના મહુવડ ગામે રહેતો સંજયસિંહ ભુપતસિંહ મોરી (ઉ.વ.30)નું ઘટનાસ્થળે માટી ઘસી પડતા દટાઈ જવાથી મોત નીપજ્યું હતું. વડુ પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને લાશનો કબજો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. ઉકત બનાવને પગલે લોકટોળાં ભેગા થઈ જવા પામ્યા હતા.