- સમા વિસ્તારમાં રહેતા મામાના ઘરે ભેગી થયેલી પિતરાઇ બહેનો ખરીદી કરવા માટે ગઇ હતી
- ખરીદી કરી ઘરે પરત ફરતી વેળા અકસ્માત થયો હતો, મૃતક યુવતી અમેરિકા જવાની હતી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થિઓને પૂરપાટ ઝડપે જઈ રહેલી આઇસર ટ્રકે ટક્કર મારતાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાનું મોત થયું છે. ચાર રસ્તા પરની અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતે મોતને ભેટનાર વિદ્યાર્થિનીને 10 વર્ષના વિઝા મળતા તે એક મહિનાની અંદર જ અમેરિકા જવાની હતી, પરંતુ કાળ બનીને આવેલી ટ્રક તેને ભરખી ગઈ હતી.
વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શહેર નજીકના અંકોડિયા ગામની ગ્રામ પંચાયત ઓફિસ પાસે આવેલા ઉંડું ફળિયામાં રહેતા દિનેશભાઇ પટેલ ખેતી કામ કરે છે. તેમની દીકરી કેયા ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સમા વિસ્તારમાં રહેતા મામાના ઘરે પિતરાઇ ભાઇ-બહેનો ભેગા થયા હતા. ત્યારબાદ હું અને મારા માસીની દીકરી કેયા દિનેશભાઇ પટેલ તથા મારી મામાની દીકરી હિર અમીતભાઇ પટેલ તથા મારી ફ્રેન્ડ આયસી અમે ઘરેથી મારી એક્ટીવા તથા હિરનું સ્કૂટર લઇને બપોરના આશરે ચારેક વાગે પાણીની ટાંકી સર્કલ પાસે આવેલ બોમ્બે સેલમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારબાદ અમે ખરીદી કરી સાંજે પરત ઘરે જતા હતા, તે વખતે મારી એક્ટીવા કેયા ચલાવતી હતી અને હું તેની પાછળ બેઠી હતી અને અમે બોમ્બે સેલથી આગળ મુક્તાનંદ તરફ જતા રોડ પરથી યુ ટર્ન મારી પાણીની ટાંકી સર્કલથી અમિતનગર તરફ જતા હતા, તે વખતે પાણીની ટાંકીના સર્કલથી અમે અમીતનગર તરફ જવા એક્ટીવાને ટર્ન મારતા હતા, તે વખતે એક આઇસર ટ્રક ચાલકે પૂર ઝડપે ચલાવીને અચાનક ટર્ન મારી અમારી એક્ટીવાને ટક્કર મારી હતી અને હુ નીચે પડી ગઈ હતી અને મને ડાબા પગના પંજા તથા ડાબા પગના ઘૂંટણ પર ઇજા થઈ હતી.
તેણે જણાવ્યું હતું કે, મેં ઉભી થઇને જોયુ તો મારી માસીની દીકરી કેયા એક્ટીવા સાથે નીચે પડી હતી અને તેમને નાકમાંથી અને તેમને જમણા પગના ઘૂંટણ પરથી લોહી નીકળતુ હતુ. અને બેભાન થઇ ગઈ હતી, જેથી ત્યા હાજર પૈકી કોઇએ 108 નંબર ઉપર ફોન કરી એમ્બ્યુલન્સને જાણ કરી હતો, જેથી એમ્બ્યુલન્સ આવતા પહેલા મારા મામા હાર્દિકભાઈ પટેલ આવી ગયા હતાં. જેથી હું તથા મારી મામાની દીકરી હિર તથા હાર્દિક પટેલ કેયાને સારવાર માટે નવરંગ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, તેઓએ ના પાડતા અમે શુકન હોસ્પિટલ લઇ જતા તેઓએ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવા જણાવ્યું હતું. જેથી અમે સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. તબીબોએ કેયાને મૃત જાહેર કરી હતી. આ મામલે મેં ટેમ્પો ચાલક સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી આઇસર ટેમ્પો ચાલક હરીશ ગોહિલ (રહે. દ્વારકા)ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ટર્ન લઈ રહેલી એક્ટિલાચાલક વિદ્યાર્થિનીને પાછળથી આવતી ટ્રકના ચાલકે હડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થિની પર ટ્રકનું ટાયર ફરી વળતા હાથ અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયાં હતાં અને તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.જોકે સગીરાને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૃતક કેયા પટેલને તાજેતરમાં જ અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને તે 1 મહિનામાં જ અમેરિકા જવાની હતી. તાજેતરમાં જ તે વિઝાના કામ માટે દિલ્હી પણ ગઈ હતી. જોકે, અમેરિકા જાય તે પહેલાં જ અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મામા અને માસીની બહેનો સમા ખાતે આવેલા મામાના ઘરે રક્ષાબંધન પહેલાં ભેગાં થયાં હતાં. ત્યાંથી ખરીદી કરવા નીકળ્યા હતા અને પરત સમા આવી રહ્યાં હતાં. આ દરમિયાન અકસ્માત થયો હતો.